આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
કચ્છનો કાર્તિકેય

આપતા તેઓ એકસ્વર તથા એકવાક્યતાથી બોલી ઊઠ્યા કે: “મહારાજનું કથન યથાર્થ છે, અક્ષરશ: સત્ય છે ! જો ખેંગારજી તથા સાયબજી સાંભળવા પ્રમાણે અમદાવાદમાં હોય અને સુલ્તાન બેગડાની સહાયતાથી કચ્છદેશ પર સૈન્ય સહિત ચઢી આવે, તો આપણે કોઈ પણ પ્રકારે નિર્ભય નથી. અર્થાત્ એ કાંટાઓને આપણા માર્ગમાંથી છાંટી નાખીને જો આપણા માર્ગને નિષ્કંટક કરવાનો યથાસમય યોગ્ય ઉપાય યોજાય, તો જ આપણી નિર્ભયતારૂ૫ ઈમારતનો પાયો દૃઢ થાય. !”

માત્ર લુહાણો શિવજી અદ્યાપિ કોઈ પણ પ્રકારનો અભિપ્રાય દર્શાવ્યા વિના તટસ્થ વૃત્તિથી મૌન ધારીને બેસી રહ્યો હતો; કારણ કે, યોગ્ય પ્રસંગ આવ્યા વિના કાંઈ પણ બોલવાનો પ્રથમથી જ તેનો મનોભાવ નહોતો.

ચામુંડરાજ પણ એક પ્રપંચપરાયણ, કુટિલનીતિવિશારદ અને પ્રસંગાનુસાર વેષપરિવર્તક હોવાથી સભાના બદલાયેલા રંગને નિમેષ માત્રમાં ઓળખી ગયો અને તેથી પોતે પણ જામ રાવળના અભિપ્રાયને અનુકૂળ થઈને બોલ્યો કેઃ “જો વસ્તુસ્થિતિ આવી જ હોય, તો તો પછી આ દુઃખ તથા ચિન્તાથી નિવૃત્ત થવામાટેનો કોઈ પણ યોગ્ય ઉપાય આપણે સત્વર જ યોજવો જોઈએ.”

“પરંતુ અમદાવાદમાં આપણી રાજસત્તાનો વિસ્તાર નથી અને તેથી જો ખેંગારજી તથા સાયબજી ત્યાં હોય, તો તેમના જીવન નાટકની ગુપ્ત રીતિથી જ સમાપ્તિ થઈ જાય, એવા કોઈ ઉપાયને યોજવાની આવશ્યકતા છે; નહિ તો ક્યાંક આપણા ટાંટિયા આપણા ગળામાં જ આવી જાય, તો બહુ ભૂંડી થઈ કહેવાય !” જામ રાવળે કહ્યું.

"ત્યારે તો પ્રથમ આપણે આપણા બે ગુપ્ત દૂતોને અમદાવાદ મોકલીને એ નિશ્ચય કરી લઈએ કે, ખેંગારજી તથા સાયબજી ત્યાં છે કે નહિ; જો તેઓ ત્યાં છે, એવો આપણો નિશ્ચય થઈ જાય, તો પછી તેમને ગુપ્ત રીતે મારી નખાવવાનો આપણે યોગ્ય પ્રબંધ કરીશું.” ચામુંડરાજે કાર્યને લાંબી મુદ્દતપર ધકેલી દેવાના ઉદ્દેશથી કહ્યું.

પરંતુ જામ રાવળ એ વિશે પોતાના વિરોધને દર્શાવતો કહેવા લાગ્યો કે : “અહીંથી આપણે ગુપ્તચરોને મોકલીએ, તેઓ ત્યાંના સમાચાર લઈને પાછા અહીં આવે અને ત્યાર પછી ખેંગારજી તથા સાયબજીને મારી નાખવાનો પ્રબંધ કરી આપણે બીજા મનુષ્યને રવાના કરીએ, તેટલામાં તો એક વર્ષ જેટલો દીર્ઘ કાળ વીતી જાય અને તેટલા સમયમાં તો કદાચિત્ જો તેઓ ત્યાં જ હોય, તો સુલ્તાનની સહાયતા મેળવીને