આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
વિપત્તિના મેઘોની એક નવીન ઘટા

આપણી સાથેના યુદ્ધનો આરંભ પણ કરી દે. આ કારણથી મારો એવો અભિપ્રાય છે કે ચામુંડરાજ, આપણા ચાર પાંચ અત્યંત વિશ્વાસપાત્ર રાજકર્મચારીઓને લઈને તમો પોતે જ ગુપ્ત વેષથી અમદાવાદ ભણી જવાને આવતી કાલે જ રવાના થાઓ, ત્યાં તેમની યોગ્ય તપાસ કરો અને જો તેઓ ત્યાં હેાય, તો કોઈ પણ ઉપાયે, કોઈ પણ જોખમે અને ગમે તેટલા ધનના ભોગે તેમનો નાશ કરાવી નાખો. માત્ર એ કાર્ય કરતાં આપણો ભેદ પ્રકાશમાં ન આવી જાય અને તમારાં જીવન ભયમાં ન આવી પડે, એની તમારે બહુ જ સંભાળ રાખવી અને અવિચારથી સાહસકર્મ ન કરવું. જો તેઓ અમદાવાદમાં ન હોય અને તેમના કોઈ અન્ય સ્થાનમાં હોવાનો પત્તો તમને અચાનક ક્યાંકથી મળી જાય, તો તે સ્થાનમાં જઈને તેમના નાશમાટેના યોગ્ય પ્રયત્નો કરજો; પણ કાર્યની સિદ્ધિ થયા વિના પાછા અહીં આવશો નહિ. તમને જોઈએ તેટલું ધન અને અન્ય સાધન લઈ જાઓ; પણ કાર્યની સિદ્ધિ કરી બતાવો.”

આટલી વાર સૂધી મૌન ધારીને વિચારમગ્ન અવસ્થામાં બેઠેલો લુહાણો શિવજી બોલવાના પ્રસંગને આવેલા જોઈને નમ્રતાથી જામ રાવળને ઉદ્દેશીને પ્રાર્થનાના રૂપમાં કહેવા લાગ્યા કેઃ “મહારાજાધિરાજ, અમારા મુકુટમણિ અને અમારા અન્નદાતા, આપણા રાજનિષ્ઠ, શૂરવીર તથા ઉદારાત્મા સેનાધ્યક્ષ ચામુંડરાજ સાથે આ દાસને પણ જો અમદાવાદ જવાની આજ્ઞા આપશો, તો આ દાસપર આપ શ્રીમાનનો અત્યન્ત આભાર થશે; કારણ કે, આ પ્રસંગે આપ શ્રીમાનની સેવા બજાવીને કૃતકૃત્ય થવાની મારી પરમ આકાંક્ષા છે. જો ખેંગારજી અને સાયબજી અમદાવાદમાં હશે, તો હું અવશ્ય તેમને ગમે ત્યાંથી પણ ખોળી કાઢીશ અને તેમનો એવી તો દક્ષતાથી ઘાત કરી નાખીશ કે જમણા હાથથી થયેલા કૃત્યની ડાબા હાથને પણ જાણ ન થાય ! મારા હૃદયમાં એવી આશા છે કે જો આપ શ્રીમાનના આ કાર્યની મારા હસ્તથી સિદ્ધિ થશે, તો મને ઈનામમાં મોટી જાગીર મળશે, હું કોઈ મોટી પદવીનો અધિકારી થઇશ અને મારું દારિદ્રય સદાને માટે ટળી જશે ! અર્થાત્ એ આશાથી હું આ કાર્ય મારા જીવના જોખમથી પણ સિદ્ધ કરીશ, એ આપ નિશ્ચયપૂર્વક માનશો.”

જામ રાવળના હૃદયમાં શિવજીની એ પ્રાર્થનાનું તેની ધારણા પ્રમાણેનું જ પરિણામ થયું અને તેથી જામ રાવળ તેને ધન્યવાદ આપતા કહેવા લાગ્યો કે: “ધન્ય છે, શિવજીભાઇ, તમારી રાજભક્તિને ! ખરેખર રાજનિષ્ઠા તો આવી જ હોવી જોઈએ. હું તમને