આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
કચ્છનો કાર્તિકેય

ચામુંડરાજ સાથે અમદાવાદ જવાની આનંદથી અનુમતિ આપું છું અને જો મારા આ કાર્યની સિદ્ધિ તમારા હસ્તથી થશે, તો તમને તમારી ઇચ્છા પ્રમાણેનાં સર્વ પારિતોષિકો અવશ્ય મળશે, એમાં લેશ માત્ર ૫ણ શંકા નથી. ”

"મહારાજની આ દાસપર જે આટલી સીમા પર્યન્ત કૃપાદૃષ્ટિ છે, તે પણ કાંઈ જેવું તેવું પારિતોષિક તો ન જ કહી શકાય; કારણ કે, અન્ય સર્વ પારિતોષિકોનું આદિકારણ તો એ જ છે.” શિવજીએ ખુશામદની છટાનું દર્શન કરાવીને એ શબ્દો ઉચ્ચાર્યા.

એ પછી જ્યારે જામ રાવળે ખુશામદી ટટ્ટુઓમાંના બીજા ચાર રાજકર્મચારીઓને ચામુંડરાજ સાથે અમદાવાદ જવાની આજ્ઞા સંભળાવી એટલે ઔપચારિક વિધિથી તો તેમણે તેની તે આજ્ઞાને બાહ્ય પ્રસન્નતા દર્શાવીને તત્કાળ મસ્તકે ધારણ કરી લીધી; પરંતુ તેઓ અંતઃકરણમાં એટલા બધા શોકાતુર તથા નિરાશ થઈ ગયા કે તેમના તે શોક તથા તેમની તે નિરાશાનાં ચિન્હો તેમનાં મુખમંડળોમાં પણ વ્યક્ત થવા લાગ્યાં; કારણ કે, એ સર્વ કેવળ 'હાજી હા'નો પાઠ ભણી આવી પ્રજાને ગમે તેમ પીડી, પરધન તથા પરદાર આદિનો અપહાર કરી, પોતાના વિશ્રામભવનમાં પડ્યા પડ્યા નાના પ્રકારના ઉપભોગોને ભોગવનારા ઇન્દ્રિયલોલુપ, સ્વાર્થપરાયણ તથા પરિશ્રમભીરુ પુરુષ કિંવા ખરી રીતે કહીએ તો કાપુરુષ જ હતા અને તેથી જામ રાવળની આ આજ્ઞાથી પ્રવાસના અગાધ પરિશ્રમોનો વિચાર આવતાં તેમનાં ગાત્રો એ ક્ષણેજ ગળી જવા લાગ્યાં હતાં. 'કામના ન કાજના; દુશ્મન અનાજના' એ કહેવત જે લોકોને લાગૂ પડે છે, તે લોકોમાંના જ એ રાજકર્મચારીઓ પણ હતા, એ નવેસરથી કહેવાની કે લખવાની આવશ્યકતા નથી. પ્રવાસના પરિશ્રમોને સહન કરવાની શક્તિનો તેમનામાં સર્વથા અભાવ હોવાથી જો કે તેમની અમદાવાદ જવાની આંતરિક ઈચ્છા લેશ માત્ર પણ નહોતી, છતાં પણ જામ રાવળના ભયથી અમદાવાદ જવા વિના કોઈ પણ પ્રકારે તેમનો છૂટકો નહોતો અને તેથી તેઓ જામ રાવળની આજ્ઞા લઇને પ્રવાસની તૈયારી કરવામાટે ત્યાંથી રવાના થઈ ગયા. તેમના ગમન પછી ચામુંડરાજ તથા શિવજી ૫ણ સભામાંથી પ્રયાણ કરી ગયા અને અન્યાન્ય સભાસદો પણ રવાના થવાથી એ ગુપ્ત સભાનું લગભગ મધ્યરાત્રિના સમયમાં વિસર્જન થઈ ગયું.

અસ્તુ: હવે અહીં જે એક અન્ય શંકા ઉપસ્થિત થાય છે તે એ છે કે, ભીયાં કક્કલના ગ્રામમાં જે વેળાયે ઘાસની ગંજીઓ (કાલર)