આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
અમદાવાદમાં હાહાકાર

બાળી નાખવાની અને તે હિંસ્ર પશુઓને વીણીવીણીને મારી નાખવાની પોતાના બહાદુર તથા જવાંમર્દ સિપાહોને આજ્ઞા આપી દીધી. સુલ્તાનની આજ્ઞાનુસાર તે અરણ્યને બાળવાના તથા હિંસ્ર પશુઓને મારવાના કાર્યનો આરંભ તો થઈ ગયો; પરંતુ અરણ્યનો અર્ધ ભાગ પણ હજી ભાગ્યે જ બળ્યો હશે અને એવાં સો એક હિંસ્ર પ્રાણીઓ ભાગ્યે જ મરાયાં હશે એટલામાં ત્યાં એક મહાભયંકર, વિશાળકાય, ક્રૂરાત્મા અને પોતાની ગર્જનાથી મેઘની ગર્જનાની સ્પર્ધા કરનાર વનરાજ સિંહ અથવા કેસરીની ભૂમિ તથા આકાશને કંપાવનારી એક ભીષણતમ ગર્જના તે સિપાહો અથવા સૈનિકોના સાંભળવામાં આવી અને એ ગર્જનાને સાંભળતાની સાથે જ ગર્ભગળિત થઇને તેઓ પ્રાણરક્ષામાટે ત્યાંથી પલાયનનો પ્રયત્ન કરવા લાગ્યા; પરંતુ એટલામાં તો તે સિંહ પોતાની ગુહામાંથી બહાર નીકળી આવ્યો અને તત્કાળ તેણે પાંચપંદર સૈનિકોનો ઘાણ કાઢી નાખ્યો. એ સિંહ જો કે તે સ્થાનમાં ઘણા કાળથી વસતો હતો, પરંતુ અન્ય વનપશુઓની તે અરણ્યમાં વિપુલતા હોવાથી તેને પોતાનો આહાર ત્યાં જ મળી જતો હતો અને તેથી અરણ્યમાંથી બહાર નીકળીને તેણે મનુષ્યોને કદાપિ ત્રાસ આપ્યો નહોતો. હવે તે અરણ્યને બાળી નાખવાની ચેષ્ટા થવાથી એક તો તેનું નિવાસસ્થાન ઉઘાડું થઈ ગયું હતું અને તેના નિત્યના આહારરૂ૫ વનપશુઓનો પણ નાશ થવા માંડ્યો હતો એટલે તે સ્વાભાવિક જ એટલો બધો છેડાઈ ગયો હતો કે સૈનિકોને જોતાં જ તેમનાપર લપકતો હતો અને જ્યારે બે ચાર મનુષ્યોનાં રક્તમાંસ તેના ઉદરમાં જતાં હતાં ત્યારે જ તે તૃપ્ત અને શાંત થતો હતો. આ કારણથી અરણ્યને બાળવાનું તથા અન્ય હિંસ્ર પશુઓને મારવાનું કામ હાલ તરત મુલ્તવી રાખીને એ વિકરાળ વનરાજને મારવાનું કામ પ્રથમ હાથમાં લેવામાં આવ્યું અને તેને મારી નાખવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પણ તેમાંનો એક પણ પ્રયત્ન સફળ થયો નહિ અને સિંહના પંજામાંથી નિત્ય પાંચ દસ મનુષ્યો આ સંસારમાંથી સદાને માટે સ્વર્ગમાં પ્રયાણ કરી જવા લાગ્યા. આથી સ્વાભાવિક જ અમદાવાદમાં હાહાકાર વર્તી ગયો અને લોકો 'ત્રાહિ ત્રાહિ' પોકારવા લાગ્યા.

જ્યારે એ કાળસ્વરૂપ સિંહને મારવામાટે કોઈ પણ સમર્થ ન થઈ શક્યો અને લોકોનો પોકાર અત્યંત વધી ગયો એટલે મહાશૂરવીર અને રણયોધ સુલ્તાન મહમ્મદ બેગડાએ પોતે જ તે સિંહને પોતાના હસ્તથી મારી નાખવાનો અને પોતાની પ્રજાને તેના ત્રાસથી