આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
કચ્છનો કાર્તિકેય

સદાને માટે મુક્ત કરવાનો પોતાના મનમાં દૃઢ નિશ્ચય કરી લીધો. તેણે પોતાના સેનાપતિ (સિપાહસાલાર)ને એક દિવસ પોતાપાસે બોલાવીને અત્યંત ગંભીર ભાવથી કહ્યું કે: "મારા જંગબહાદુર સિપાહસાલાર, મને જણાવતાં અત્યંત શોક થાય છે કે મારા લશ્કરમાં આટ-આટલા બહાદુર સિપાહો હોવા છતાં એક અદનો શેર આજ સૂધી કોઈથી મરાયો નથી અને મારી રૈયતમાં આટલો બધો પોકાર થઈ ગયો છે. જો આવી રીતે મારી રૈયતનો પોકાર ચાલૂ રહે અને મારા હાથથી રૈયતના દુઃખને દૂર કરવાનો ઉપાય યથાસમય ન થાય, તો મારા નામને દાગ લાગે અને હું નામનો જ સુલ્તાન રહી જાઉં; એટલામાટે મેં એવો નિશ્ચય કરેલો છે કે કોઈ ૫ણ રીતે મારે પોતે જ એ શેરનો શિકાર કરીને મારી રૈયતના ત્રાસને ટાળવો અને રૈયતની દુઆ લેવી. આ સાહસમાં કદાચિત્ મારા જીવનું જોખમ થઈ જાય, તો પણ મને તેની પરવા નથી. આ કારણથી મારી તમને એવી આજ્ઞા છે કે આપણા લશ્કરમાંના ચુંટી કાઢેલા બે હજાર ઘોડેસવાર સિપાહીઓને આવતી કાલે સુબહમાં 'ભદ્ર' ના દરવાજાપર તૈયાર રાખજો અને હાથીખાનામાં મારા માવતને મારા હાથીને અંબાડી સહિત તૈયાર કરીને સવારમાં અહીં લાવવાનો હુકમ કહાવી દેજો. એ ઉપરાંત તે શેરના નિવાસસ્થાનને જાણનાર જંગલના ભોમીઆ પારધી તથા વાઘરીઓને પણ તૈયાર રાખજો કે જેથી તે શેરને શોધી કાઢતાં આપણને વધારે વિલંબ ન થાય. મારી રૈયત પીડાતી હોય અને આર્તનાદ કરતી હોય, તેવા સમયમાં અયશોઆરામ ભોગવતો હું મારા જનાનખાનામાં પડ્યો રહું અને રૈયતના દુઃખનિવારણનો પ્રયત્ન ન કરું, તો મારા સુલ્તાનપદનું ગૌરવ લેશ માત્ર પણ ન જળવાય, એ સર્વથા સ્વાભાવિક જ છે. અર્થાત્ રૈયતનું દુ:ખ તે મારું પોતાનું જ દુઃખ હોવાથી મારે રૈયતના સુખને સ્થાપવાનો યોગ્ય ઉદ્યોગ કરવો જ જોઈએ. જાઓ અને મારી આજ્ઞાના પાલનમાં રંચ માત્ર પણ પ્રમાદ ન થાય તેવી રીતે સર્વ પ્રબંધ કરી નાખો."

સિપાહસાલાર સુલ્તાનને નમન કરીને છાવણીમાં જવા માટે રવાના થયો અને ત્યાં ઘોડેસવાર સિપાહોને સુલ્તાનનું ફર્માન સંભળાવીને બીજા દિવસના પ્રભાતમાં 'ભદ્ર'ના દ્વાર સમક્ષ આવીને હાજર રહેવાની આજ્ઞા આપી દીધી. સુલ્તાનના માવતને પણ સુલ્તાનની આજ્ઞા પહોંચાડી દેવામાં આવી અને સિંહના શિકારમાટેની બાદશાહી સવારીની ધામધૂમથી તૈયારીઓ થવા લાગી. 'આવતી કાલે સુલ્તાન સલામત પોતે સિંહના શિકારમાટે જવાના છે!'. એ સમાચાર