આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧
બાહુબળથી ભાગ્યપરીક્ષા

ઓત'ના સ્વરૂપમાં દેખાવા લાગ્યા. બહુ અંશે તેણે પોતાના જીવનની આશાનો ત્યાગ કરી દીધો અને તેના મુખમાંથી એવા નિરાશાજનક શબ્દો નીકળી ગયા કેઃ “યા પરવરદિગાર, શું ત્યારે મારા નસીબમાં આ શેરના પંજામાં સપડાઈને મરી જવાનો યોગ લખાયો હતો ? આ કેવું ખૌફનાક તૂફાન ! અલ અમાન, અલ આમાન ! !” સિંહે પંજો ઉઠાવ્યો અને અણીનો સમય આવી લાગ્યો.

સુલ્તાન બેગડા જેવો હિંમતબહાદુર અને શેરનર પણ મરણના આ સાક્ષાત્કારથી ગર્વગલિત થઈ ગયો; પરંતુ એટલામાં જાણે કોઈ ફરિશ્તો તેની મદદે આવ્યો હોયની ! તેવી રીતે સિંહને સંબોધીને ઉચ્ચારાયેલા “કૂતરા, ગજના ગંડસ્થળપરથી નીચે ઊતર અને મરવાને તૈયાર થા.” એ પ્રમાણેના ખેંગારજીના શબ્દો તેના સાંભળવામાં આવ્યા અને હજી તો તે શબ્દ ઉચ્ચારનારના મુખને જોવાનો તે પ્રયત્ન કરતો હતો એટલામાં તો ખેંગારજીએ તે સિંહના શરીરપર ભાલાનો આધાત કરીને સુલ્તાનની વિપત્તિને પોતાના શિરપર વ્હોરી લીધી. સિંહે હવે પોતાનાં નેત્રોને સુલ્તાન તરફથી ફેરવીને ખેંગારજીના મુખમંડળમાં સ્થિર કર્યાં અને સમય એવો આવી લાગ્યો કે જો ખેંગારજી તેનાપર આધાત અથવા શસ્ત્રપ્રહાર કરવામાં નિમેષ માત્રનો પણ વિલંબ કરે, તો તેના પ્રાણપર જ આવી બને એ નિશ્ચિત હતું. આ રહસ્યને ખેંગારજી પણ સારી રીતે જાણતો હતો એટલે ખેંગારજીએ પોતાના ઉચ્ચ જાતિના અશ્વને એડી મારતાં જ અન્ય એકદમ એક પુરુષ પ્રમાણમાં ઊંચો થઈ ગયો અને તેથી સિંહ૫ર પ્રહાર કરવાનો ઠીક લાગ મળતાં તેણે માણેકબેરજીની આપેલી સાંગનો 'જય દેવી' ઉચ્ચાર સહિત એવા તો અતુલ બળથી સિંહના કપાળપર પ્રહાર કર્યો કે તે સાંગ કપાળમાં લાગતાની સાથે જ વનરાજ સિંહ ગજરાજના ગંડસ્થળને છોડી એક ભયંકર ચીત્કાર સહિત પૃથ્વીપર પછડાઈ પડ્યો છતાં અદ્યાપિ તે ભયાનક પ્રાણી મરણને શરણ થયેલો ન હોવાથી ત્યાં પડ્યો ત્યાંથી ચોગણા બળથી પાછો ઊછળ્યો અને તેથી ખેંગારજી તથા સાયબજી સુલ્તાનની જે ભીતિને તેમણે ટાળી હતી તેના કરતાં પણ વધારે ભીતિમાં આવી પડ્યા. સિંહ ભૂરાટો થઈને એકદમ ખેંગારજીના અશ્વપર જઈ પડ્યો અને પોતાના ભયંકર પંજાના એક જ પ્રહારથી તેણે તે અશ્વને સ્વર્ગના માર્ગનો પ્રવાસી કરી દીધો; એ વેળાયે ખેંગારજીએ પણ સમયસૂચકતા વાપરીને પોતાની તલવારને તેની છાતીમાં પેસાડી દીધી હતી, છતાં તેની પર્વા કર્યા વિના સિંહે ખેંગારજીના પોતાના શરીર પર તરાપ