આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
કચ્છનો કાર્તિકેય

અને નાનાવિધ ભોજનોના ભિન્નભિન્ન થાળ લાવીને દસ્તરખાનપર મૂકી દીધા. એ સોનાના થાળ તથા સોનાના કટોરા ઇત્યાદિમાં પુલાવ, મુતંજન, કોરમા, કબાબ, ગુર્દા, મુર્ગી, સંબોસા, નાન, શાકભાજી તથા અન્યાન્ય પદાર્થો એટલા તો વિપુલ પરિમાણમાં લાવીને મૂકવામાં આવ્યા હતા કે જો તે સર્વનો તોલ કરવામાં આવે, તો તેમનો ભાર તે સમયમાં જેનો એક શેર પંદર પહલુઇની બરાબરનો થતો હતો તેવા ગુજરાતી અડધા મણથી વધારે થાય, એ નિર્વિવાદ હતું. એટલો બધો ખોરાક સુલ્તાન બેગડો પોતાની બેગમ કમાબાઈ તથા અલૈયાજી, ખેંગારજી અને સાયબજી સાથે વાત કરતો કરતો એવી તો સહેલાઈથી ખાઈ ગયો કે તે ભાર તેના વિશાળ ઉદરમાં ક્યાં સમાઈ ગયો તે પણ જણાયું નહિ. સુલ્તાનના આ ભોજનથી ખેંગારજી તથા સાયબજીને આશ્ચર્ય તો અવશ્ય થયું, તો પણ તે વેળાયે તેઓ કાંઈ પણ ન બોલ્યા અને એક પ્રહર રાત્રિ વીતવા આવેલી હોવાથી તેમણે સુલ્તાન તથા કમાબાઈ પાસેથી ઘેર જવામાટેની રજા માગી.

સુલ્તાને ખુશીથી તેમને જવામાટેની રજા આપી અને કમાબાઈએ કહ્યું કેઃ "ભાઈ આવતી કાલે જ્યારે દરબારમાં આવવામાટે ઘેરથી નીકળો, તે વેળાયે મારી બન્ને ભાભીઓને અહીં મારા અંત:પુરમાં હું જે મ્યાનો મોકલું તે મ્યાનામાં બેસાડીને મોકલજો; કારણ કે, મારી ભાભીઓને મળવા માટે મારું મન અતિશય આતુર થઈ રહ્યું છે; પછી વળી એક વાર હું પણ તમારે ઘેર આવીશ."

"ભલે બહેન, મ્યાનો મોકલજો એટલે તમારી ભાભીઓ અવશ્ય તમને પગે લાગવામાટે આવશે." ખેંગારજીએ અતિશય નમ્રતા દર્શાવીને કહ્યું.

"ઘણું જીવો મારા વીર !" કમાબાઈએ આશીર્વાદ આપ્યો.

એ પછી અલૈયાજી, ખેંગારજી અને સાયબજી સુલ્તાનના મહાલયમાંથી બહાર નીકળ્યા એટલે ખેંગારજીએ અલૈયાજીને આશ્ચર્ય દર્શાવીને પૂછ્યું કે: "મોટા ભાઈ, શું સુલ્તાન નિત્ય આટલા વિપુલ પરિમાણમાં ભોજન લે છે ? તેમના આજના ભોજનને જોઈને ખરેખર અમને આશ્ચર્ય થાય છે."

એના ઉત્તરમાં અલૈયાજી કહેવા લાગ્યો કે: "ભાઈ ખેંગારજી, સુલ્તાન બેગડો જેવો શુરવીર, અગાધપરાક્રમશીલ અને ભીમકાય પુરુષ છે, તેવો જ તેનો જઠરાગ્નિ પણ અત્યંત પ્રબળ છે. સુલ્તાન બેગડાનો રોજનો ખાવાનો રાબેતો જેનો એક શેર પંદર પહલૂઈની બરાબર થાય છે, તેવા એક ગુજરાતી મણનો છે. ખાધા પછી તે પાંચ શેર મમરા