આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
કચ્છનો કાર્તિકેય

'चिन्तातुराणां न सुखं न निद्रा ' એ ઉક્તિ સહસા સત્ય સિદ્ધ થતી દેખાય છે; તે જ પ્રમાણે કેટલીક વાર અત્યંત આનન્દ કિંવા હર્ષના યોગે પણ નિદ્રાનો અભાવ થઈ જાય છે, એવો અનુભવ ઘણાકોને વારંવાર થયો છે, થાય છે અને ભવિષ્યમાં પણ થતો રહેવાનો. આર્થાત ખેંગારજી, સાયબજી તથા તેમની પત્નીઓને પણ આજે એવો જ અનુભવ થયો; હર્ષનો અતિરેક થવાથી તેમને નિદ્રા ન આવી અને નાના પ્રકારના વાર્તાલાપમાં જ તેમની નિશાનો અંત થઈ ગયો. અરુણોદય થતાં તેમણે નિદ્રાધીન અવસ્થામાં જ શય્યાનો પરિત્યાગ કર્યો અને દરબારમાં જવા માટેની તૈયારી કરવા માંડી.

* * * * *

બહુધા દિવસનો એક પ્રહર જેટલો સમય વીતવા આવ્યો હતો, સૂર્યદેવ પોતાની પ્રખરતાને ક્ષણે ક્ષણે વૃદ્ધિગત કરતો જતો હતો અને અહમ્મદાબાદ નગરમાં સર્વત્ર સુલ્તાનને ગઈ કાલે પરમાત્માએ કાળના મુખમાંથી બચાવેલો હોવાથી આનંદોત્સવની તૈયારીઓ ચાલતી જોવામાં આવતી હતી. ગત રાત્રિના સમયમાં જ ખાસ દરબારમાં પ્રભાતમાં ઉપસ્થિત થવામાટેનો સુલ્તાનનો સંદેશ સર્વ રાજકર્મચારીઓ, ઉલ્મા, પંડિત તથા હિન્દુ મુસલ્માન જાતિના પ્રતિષ્ઠિત નાગરિકોને મળી ગયેલો હોવાથી અત્યારે સુલ્તાનના 'ભદ્ર'માંના રાજમહાલયમાંના વિશાળ સભાસદનમાં એક પ્રકારનો ઇંદ્રની સભા સમાન સમારંભ જોવામાં આવતો હતો. સર્વ રાજકર્મચારીઓ પોતપોતાની પદવીને દર્શાવનારા ચિન્હયુક્ત વેષમાં દરબારમાં આવીને પોતપોતાના આસને વિરાજ્યા હતા, ઉલ્મા તથા પંડિતો પોતપોતાના સ્થાને બેઠા હતા અને હિન્દુમુસલમાન નાગરિકો પણ વિપુલ સંખ્યામાં ઉપસ્થિત હતા; માત્ર એટલું જ નહિ, પણ સુલ્તાનને આશીર્વાદ આપવામાટે આવેલા ભાટ ચારણો તેમ જ બેત્રણ નામાંકિત તવાયફ આદિ પણ એ દરબારમાં હાજર હોવાથી દરબારનો રંગ કાંઇક ઔર જ દેખાતો હતો. આજની સભામાં જે એક વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા સર્વનાં મનોને આકર્ષતી હતી, તે એ હતી કે સુલ્તાનની મસ્નદની પાસેના બે બાજૂના બે ભાગો કે જે હમેશ ખાલી રહેતા હતા, ત્યાં આજે બે ઉત્તમ આસનો ગોઠવી દેવામાં આવ્યાં હતાં, પરંતુ તે આસનોપર આજે વિરાજવાના ભાગ્યને કોણ પ્રાપ્ત કરનાર હતા, એની કોઈને કશી કલ્પના ન હોવાથી સર્વ જનો પોતપોતાની ઈચ્છા પ્રમાણેની કલ્પનાઓ કર્યા કરતા હતા. બરાબર દિવસના પ્રથમ પ્રહરની સમાપ્તિ થતાં જ નગારખાનામાં નૌબત તથા શરણાઈ આદિનો ધ્વનિ થવા લાગ્યો અને તેથી હવે