આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
કમાબાઈનાં લગ્ન

"એ જ યોગ્ય ઉપાય છે. મારો નિશ્ચય છે કે મારા વચનનો તે કદાપિ તિરસ્કાર કરવાની નથી. હું હવે રાણીવાસમાં જાઉં છું અને તમો ૫ણ રાત્રિ વિશ્રાંતિમાં વીતાડો," એ પ્રમાણે આજ્ઞા કરીને હમ્મીરજી દોઢ પ્રહર રાત્રિ વીતેલી હોવાથી અંતઃપુરમાં ચાલ્યો ગયો અને ભૂધરશાહ પોતાના નિવાસસ્થાન તરફ પ્રયાણ કરી ગયો.

—:O:—
તૃતીય પરિચ્છેદ
કમાબાઈનાં લગ્ન

જામ હમ્મીરજીની ધારણા સફળ થઈ. કમાબાઈની માતા રાજબાએ પોતાના પ્રિયકરની ઈચ્છાને માન્ય કરી પુત્રી કમાબાઈને સમજાવી અને કુમારીની અનિચ્છા હોવા છતાં અંતે તેના મુખથી એ સંબંધમાટેની હા પડાવી. કુમારીની અનુમતિ મળતાં જ રાજાએ ભૂધરશાહને બોલાવીને આજ્ઞા કરી કે: "પ્રધાનજી, ત્યારે હવે તમે જાઓ અને અમદાવાદના સુલ્તાનને તેની આખી ફોજ સાથે અહીં લઈ આવો. અત્યારે, એ જાનને જાણે ઈશ્વરે પોતે જ મોકલી હોયની ! એમ જ આપણે માની લેવાનું છે."

"જેવી બાવાની આજ્ઞા," એમ કહી ભૂધરશાહ મનમાં હર્ષાતો હર્ષાતો દરબારગઢમાંથી બહાર આવી સાંઢિયાપર સ્વાર થયો અને તે સાંઢિયો ચાલવામાં ઘણો જ ઉતાવળો હોવાથી થોડા જ વખતમાં તે મહમ્મદ બેગડાની છાવણીમાં આવી પહોંચ્યો.

"કેમ દીવાનજી, શા સમાચાર છે?" સુલ્તાને પૂછ્યું.

ભૂધરશાહે અદબથી મુજરો કરીને એના ઉત્તરમાં જણાવ્યું કેઃ "હજરત સલામત, શુભ સમાચાર છે. આપની ઈચ્છા પ્રમાણે અમારાં રાજકુમારી સાથે આપનો વિવાહસંબંધ કરી આપવામાં કશો પણ બાધ નથી. પરંતુ અમારી એક ઈચ્છા પ્રમાણે આપને વર્ત્તવું પડશે."

"તમારી તે ઈચ્છા શી છે ?" સુલ્તાને ઉત્સુકતાથી પૂછ્યું.

"એ જ કે લગ્નવિધિ અમારા આર્યધર્મશાસ્ત્રના નિયમ અનુસાર કરવામાં આવશે." ભૂધરશાહે જણાવ્યું.

"તમે ગમે તે વિધિથી શાદી કરો, એમાં અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી." સુલ્તાને તરત જવાબ આપી દીધો.

"આપની આ ઉદારતામાટે અમે આપનો અત્યંત આભાર માનીએ છીએ," એમ કહીને પછી તરત જ ભૂધરશાહે જણાવ્યું કે: "ત્યારે ચાલો, તમારી આ ફૌજને અમારા ગામને પાદરે છાવણી નાખવાનો હુકમ ફરમાવો."