આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
કેટલાંક વિઘ્નો

શિવજીને અનેકશ: ધન્યવાદ આપતો કહેવા લાગ્યો કે: “શિવજીભાઈ, અમારી આપત્તિની વેળામાં પણ અમારા પ્રતિ તમો આવી સદ્‌ભાવના ધરાવો છો; એક વાર તમોએ અમારા પ્રાણ બચાવ્યા છે અને આજે પણ અમારા સંકટને નિવારવા માટે તૈયાર થયા છો, એ તમારા ઉપકારોમાટે જો અમો તમને ધન્યવાદ ન આપીએ, તો તે અમારી કૃતઘ્નતા જ કહેવાય. અસ્તુ: તમારા એ ઉપકારોનો બદલો યોગ્ય સમય આવતાં તમને અવશ્ય મળશે. અત્યારે તો તમારી ઇચ્છા અનુસાર તે દુષ્ટોને ભોળવીને અહીં લાવો એટલે તેમને તેમનાં દુષ્કૃત્યોની યોગ્ય શિક્ષા અહીં જ મળી જાય. ત્યારપછી તમો અમારી સાથે જ રહેજો અને અમારા સહાયક થજો.”

શિવજી ગામભણી જવાને રવાના થયો અને તેના જવા પછી છાવણીમાં સૈનિકોને સાવધ રહેવાની અને શિત્રજી નામના લુહાણા વિના અન્ય જેટલા અજ્ઞાત મનુષ્યો છાવણીમાં આવે તે સર્વને ચતુર્ભુજ કરીને ખેંગારજી સમક્ષ લઈ આવવાની સૂચના છચ્છરે આપી દીધી. લગભગ ઉષઃકાળમાં સર્વ સૈનિકો તેમ જ ખેંગારજી તથા સારબજી પણ મીઠી ઊંઘમાં પડ્યા હશે એમ ધારીને ચામુંડરાજે શિવજીના અનુમોદનથી પોતાના સાથીઓ સહિત છાવણીમાં પ્રવેશ કર્યો અને જ્યારે તેઓ છાવણીના મધ્યભાગમાં આવ્યા એટલે અચાનક સાવધ રહેલા સૈનિકોએ તેમને પકડી, હાથમાં બેડીઓ પહેરાવીને ખેંગારજી સમક્ષ હાજર કરી દીધા. ચામુંડરાજ તથા તેના બીજા સાથીઓએ કચ્છમાં અનેક પ્રકારના અત્યાચાર તથા માનવહત્યા જેવા દુષ્ટાચાર કરેલા હોવાથી ખેંગારજીની આજ્ઞાથી સૈનિકોએ તત્કાળ તેમનો શિરચ્છેદ કરી નાખ્યો અને શિવજી ખેંગારજી તથા સાયબજીનો એક વિશ્વાસપાત્ર અંગરક્ષક નીમાયો.

પ્રથમ મંજિલમાં જ નરહત્યાકાંડનો આરંભ થયો અને એક ભયાનક વિઘ્ન તો અનાયાસ ટળી ગયું. પ્રભાતમાં સૈન્ય પોતાના માર્ગમાં આગળ વધ્યું અને મંજિલ દર મંજિલ મુકામ કરતી ખેંગારજીની એ સેના સાતમે કે આઠમે દિવસે મોરબીની સીમામાં આવી પહોંચી.

*****

અત્યારનું મોરબી નગર મચ્છુ નદીને તીરે રાજકોટથી ઉત્તરે પાંત્રીસ માઈલપર આવેલું છે અને આપણી નવલકથાના સમયમાં પણ એ જ મોરબી નગર હતું. જૂનું મોરબી ગામ કે જે મોર-મયૂર જેઠવાએ વસાવેલું કહેવાય છે તે મચ્છુ નદીના પૂર્વ તીર પ્રાન્તમાં હાલના મોરબી નગરથી લગભગ અડધો ગાઉ દૂર છે. તે ગામ પ્રથમ