આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
કચ્છનો કાર્તિકેય

પણ થતી જશે. સાપર ગ્રામ અને સાપર પ્રગણાનો અધિકાર તો ખેંગારજીના હસ્તમાં આવી ગયો હતો એટલે ત્યારપછી જામ રાવળ સાથે ગાઢ મૈત્રીસંબંધ ધરાવતા જામ ડાડરજી અથવા દાદરજીનાં એક પછી એક સર્વ ગ્રામો ખેંગારજીએ હસ્તગત કરવા માંડ્યાં અને એવી જ રીતે અન્ય ભૂમિ પણ લઈ લીધી. ત્રણ કે ચાર વર્ષના એવા પ્રયત્નથી કચ્છ રાજ્યની લગભગ અર્ધભૂમિ ખેંગારજીની થઈ ગઈ. જામ રાવળ પોતાના રાજ્યની અર્ધભૂમિ જતાં સૂધી ખેંગારજી સાથે યુદ્ધ કરવાને તૈયાર નહોતો થયો તેનું કારણ ઐતિહાસિકો એવું બતાવે છે કે, જ્યારે ખેંગારજીનો આમ વિજય થતો ગયો ત્યારે જામ રાવળે આશાપૂર્ણા માતાની આરાધના કરી હતી અને આશાપૂર્ણા માતાએ તેને એમ કહ્યું હતું કે: "તેં મારા શપથ લેવા છતાં વિશ્વાસઘાત કરીને જામ હમ્મીરજીની હત્યા કરી છે, એટલે હવે આ કચ્છની ભૂમિમાંથી તો તારાં અન્ન અને જળ ઊઠી ગયાં છે; પણ જો તું સામે કાંઠે જઈશ, તો ત્યાં કદાચિત્ તારી ભાગ્યનો ઉદય થશે !" અર્થાત્ માતાના આ વચનથી તેનો એ તો નિશ્ચય થઈ ગયો હતો કે:' હવે મને વિજય મળવાનો નથી !' અને તેથી જ તેણે ખેંગારજી સાથે લડવાનો યત્ન આદર્યો નહોતો. પરંતુ તેને આવી રીતે શાંત રહેલો જોઈને ખેંગારજીનો ઉત્સાહ વધતો ગયો અને તેથી હવે તેણે રાવળની રાજધાનીમાં રમખાણની શરૂઆત કરી દીધી.

ખેંગારજી પોતાના અમુક સૈન્ય સહિત જામ રાવળની રાજધાની બાડાની નજદીકમાં આવી પહોંચ્યો. ત્યાં લલિયા ખવાસની સરદારી તળે પાંચસેં માણસો પાંચસે ઘોડાને ચારતા હતા. તે ચારનાર માણસો પરોઢિયામાં ઝાડે જંગલ ગયા હતા તે વેળાયે રાવ ખેંગારજીએ ધસારો કરીને તે સર્વ અશ્વોને હસ્તગત કરી પોતાના પદસંચારી સૈનિકોને આપી દીધા. આ કારણથી લાલો ખવાસ રાવ સાથે લડવા આવ્યો, પણ ખવાસ સાથે લડવાની પોતાની યોગ્યતા ન હોવાથી રાવે પોતાના મૈયા બારાચ નામક સરદારને તેની સામે લડવા માટે મોકલ્યો અને તેણે લાલાને યુદ્ધમાં ઠાર કરી નાખ્યો. જે સ્થાનમાં મૈયાએ લાલાને ગડથલું ખવરાવ્યું હતું, તે સ્થાનમાં તે ઘટનાના સ્મરણમાટે પછીથી ગુડથલ નામક ગ્રામ વસાવવામાં આવ્યું હતું કે જે અદ્યાપિ કાયમ છે.

દેવીના વચનથી વિજય મળવાની આશા ન હોવા છતાં પણ જ્યારે ખેંગારજીની ધૃષ્ટતા આટલી સીમા પર્યન્ત આવી પહોંચી એટલે જામ રાવળના હૃદયમાં પણ ક્રોધ તથા વૈરનો ભીષણ અગ્નિ પ્રકટી નીક્ળ્યો અને “કદાચિત વિજય ન મળે, તો ચિંતા નહિ; પરંતુ કચ્છને છોડતાં પણ બે હાથ ખેંગારજીને અવશ્ય બતાવવા જોઈએ અને કચ્છનું