આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
કચ્છનો કાર્તિકેય

પશ્ચાત્તાપથી પોતાના જીવનને સુધારવાની ઈચ્છા હોય, તો તારા અપરાધોની નિષ્કપટ અંતઃકરણથી ક્ષમા માગીને અને દાંતમાં તુણ રાખીને પરાજયને સ્વીકારી આ કચ્છ દેશમાંથી ચાલ્યો જા; નહિ તો આ યુદ્ધભૂમિમાં આજે તારો સંહાર થઈ જશે અને પછાત્તાપવડે ઈશ્વરની ક્ષમા મેળવવાનો પ્રસંગ પણ તારા હાથમાંથી સદાને માટે ચાલ્યો જશે. બોલ, શો વિચાર છે? નમવાથી તારો ઉદ્ધાર છે અને શસ્ત્રને હસ્તમાં ધારવાથી તારો સંહાર છે! ”

“મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું છે અને તમને જે યોગ્ય લાગ્યું છે તે તમોએ કરી બતાવ્યું છે એટલે હવે વીતેલી વાર્તાઓને સંભારવાથી તમને કે મને કશો પણ લાભ થવાનો નથી. અત્યારે આપણે રણભૂમિમાં ઊભા છીએ એટલે યુદ્ધ, યુદ્ધ અને યુદ્ધ એ જ કેવળ આપણો ધર્મ છે; આ જમાનાનો ખાધેલો જામ રાવળ તમારા જેવા કાલના જન્મેલા બાળકોની ક્ષમા માગીને તથા પરાજય સ્વીકારીને વિશ્વમાં પોતાની શાશ્વત અપકીર્તિને વિસ્તારશે, એવી આશા તમારે સ્વપ્નમાં પણ ન રાખવી. તમને બાળક જાણીને તમારી અનેક ધૃષ્ટતાઓને હું સહન કરી ગયો છું એટલે તમે વધારે મદમાં આવી ગયા છો, તો આજે મારે તમને તમારી એ ધૃષ્ટતાઓની સામટી શિક્ષા આપવી જ જોઈએ. હું આજે મારા કફનને માથાપર બાંધીને જ તમારી સાથે લડવા આવ્યો છું; અર્થાત્ કાં તો તમારાં મરણ થતાં મારો વિજય થશે અને કાં તો મારો સંહાર થઈ જશે. મારું મરણ થાય તેની મને જરા પણ ચિન્તા નથી; માટે, ખેંચો તલ્વાર અને થાઓ યુદ્ધ માટે તૈયાર !” જામ રાવળે પણ પોતાની કરડાકીનો એ શબ્દોથી ઘણો જ સારો પરિચય કરાવ્યો.

"વારુ, પણ કુટિલ કાકા, તમારે ઘેર અમારી કાકીમાટે સતી થવાની વ્યવસ્થા કરતા આવ્યા છો કે કેમ ? જો તે વ્યવસ્થા ન કરી હોય, તો અહીંથી ચિતા ખડકવાને પ્રથમ કાષ્ટ મોકલી આપો કે જેથી તમારી પાછળ આવતાં તેમને વિલંબ ન થાય !” સાયબજીએ જામ રાવળને ઉદ્દેશીને મર્મવેધક શબ્દો ઉચ્ચાર્યા.

સાયબજીના આ શબ્દો જ રાવળની છાતીમાં બાણ જેવા લાગ્યા અને તેથી તે દાંત હોઠ ચાવતો ક્રોધથી કહેવા લાગ્યો કે: "ભત્રીજા, તારી કાકીની ચિતા તૈયાર કરાવવાને બદલે તમે બંન્ને ભાઈએ જે ઝાલી વહુઓને પરણી આવ્યા છો, તેમની ચિતા ખડકાવવાની તૈયારી કરવા માંડો; કારણ કે, નહિ તો તેમને આજન્મ વિધવાવેષમાં જ રહેવું પડશે.”