આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
ભીષણ યુદ્ધ અને વિજયલાભ

"મારા વીર સેનાપતિ અને વીર સૈનિકો, યુદ્ધ માટે તૈયાર થાઓ અને તમારી વીરતા, સ્વામિનિષ્ઠા તથા નિર્ભયતાનો આજે વિશ્વને પરિચય કરાવો.” ખેંગારજીએ પોતાના સૈન્યને યુદ્ધ માટેની સૂચના આપી દીધી.

“શ્રી ખેંગારજીનો જય ! શ્રી રાવ સાહેબનો જય ! ” સૈનિકોએ ગગનભેદક ધ્વનિથી ખેંગારજીનો જયનાદ કર્યો.

રાવળે પણ એવી જ રીતે પોતાના સૈનિકોને યુદ્ધમાટેનો સંકેત કરી દીધો અને તેથી જોતજોતાંમાં ઉભય પક્ષના સૈનિકોના કોષમાંથી નીકળેલી અસિઓ સૂર્યનાં કિરણોના સંમેલનથી ચમચમ ચમકવા લાગી. યુદ્ધનો આરંભ થયો અને નરશોણિતથી ધરા રક્તષર્ણા થવા લાગી. સૈનિકોના જયનાદ, રણદુંદુભિના નાદ તથા ચારણોના શૌર્યવર્ધક કાવ્યનાદથી ગગનમંડળી નિનાદિત થવા લાગ્યો; રણચંડીને યથેચ્છ નરમાંસ તથા નરરક્તનો ભક્ષ મળવા લાગ્યો; ગૃધ્ર, શૃગાલ તથા વાયસ ઇત્યાદિ પોતાની ઊજાણીના સમયને આવેલો જોઈને પુલકિત થવા લાગ્યાં; સૈનિકોના ભૂમિપર થતા પદાઘાતથી તથા અશ્વોના ચાલનથી ધૂળ એટલી બધી ઉડવા લાગી કે જાણે ત્યાં મેઘોની ઘટા છવાયલી હોયની એ જ ભાસ થવા લાગ્યો અને સૂર્યની પ્રભા અદૃશ્ય થઈ ગઈ ! સૂર્યોદયના આરંભ સાથે આજના એ યુદ્ધનો પણ આરંભ થયો હતો એટલે સૂર્યનારાયણે મધ્યાહ્નસમયે જ્યારે પૂર્ણ પ્રચંડતાને ધારી લીધી, તે વેળા એ યુદ્ધ પણ જાણે પ્રચંડતાના વિષયમાં સૂર્યનારાયણની સ્પર્ધા કરતું હોયની ! તદ્વત્ પૂર્ણ પ્રચંડતાની સીમાપર આવી પહોંચ્યું. નરરક્તની ત્યાં નદી વહન કરવા લાગી અને તેમાં મૃત સૈનિકોનાં શરીરોના હસ્ત, પદ, મસ્તક, ઉદર અને જંધા આદિ ભિન્ન ભિન્ન અવયવો તરતા અને અન્ય સૈનિકોના પદાઘાતથી ઇતસ્તતઃ ઉછળતા દેખાવા લાગ્યા. મહાબીભત્સ તથા ભયાનક દૃશ્યનો ત્યાં વિસ્તાર થયો. સંધ્યાકાળ થતાં સુધીમાં જામ રાવળના સૈન્યનો એકચતુર્થાંશ ભાગ અવશિષ્ટ રહ્યો અને ત્રણચતુર્થાશ ભાગનો સંહાર થઈ ગયો. ખેંગારજીના સૈનિકો અધિક અનુભવી હોવાથી તથા તેમની પાસે ઉત્તમ પ્રકારનાં શસ્ત્રો હોવાથી તેમનો નાશ બહુ જ અલ્પ પરિમાણમાં થયો હતો અને તેથી જો બીજા દિવસના યુદ્ધમાં જામ રાવળ સામો આવે, તો તેના પરાજય લખાઈ ચૂક્યો હતો. સંધ્યાકાળ થતાં મૃત સૈનિકાના અગ્નિદાહ તથા ભૂમિદાહની વ્યવસ્થા કરવામાટે તેમ જ પરાપૂર્વના શિષ્ટાચારને અનુસરીને ઉભય પક્ષની સંમતિથી યુદ્ધ બંધ રાખવામાં આવ્યું અને એવી શર્ત કરવામાં આવી કે, બીજે દિવસે ખેંગારજી તથા જામ રાવળે દ્વંદ્વ યુદ્ધ