આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
કચ્છનો કાર્તિકેય

પ્રયત્નમાં આપણને યશ ન મળે, તો સામા આપણે અપયશના ભાગી થઈએ. છતાં પણ જો તે પરાજયને સ્વીકારી પોતાના અપરાધની ક્ષમા ન માગે, તો તો ક્ષત્રિયધર્મ અનુસાર આપણાથી તેને જીવતો જવા ન જ દેવાય. હવે જોઈએ કે પ્રભાતમાં શું થાય છે; પ્રભાતમાં જેવો રંગ દેખાશે, તદનુસાર આપણે પણ વર્તીશું. મને તો લાગે છે કે, માતાજી અવશ્ય તેને પણ સદ્‌બુદ્ધિ આપશે અને તે મુખમાં તૃણ ધારણ કરીને આપણા ચરણોમાં મસ્તક નમાવવામાટે આપણી પાસે આવશે." ખેંગારજીએ કહ્યું.

પ્રભાત થયો અને ખેંગારજીના સૈનિકો યુદ્ધમાટે તત્પર થઈ ગયા; પરંતુ શત્રુપક્ષની સેનાને રણાંગણમાં આવેલી જોવાને બદલે જામ રાવળના તંબૂપર તેમણે સમાધાનસૂચક શ્વેત પતાકાને ઉડતી જોઈ અને એ સમાચાર જ્યારે ખેંગારજીએ સાંભળ્યા એટલે જામ રાવળનો આશય તત્કાળ તેના જાણવામાં આવી ગયો. ખેંગારજીએ પણ પોતાના તંબૂપર સમાધાનના સ્વીકારને સૂચવતી શ્વેત પતાકા ચઢાવવાની પોતાના સૈનિકોને આજ્ઞા આપી દીધી અને તેથી યુદ્ધ હાલ તરત મુલ્તવી રહ્યું.

થોડી વાર પછી જામ રાવળ પોતાના કેટલાક અંગીય અને વિશ્વાસપાત્ર કર્મચારીઓને લઈને શસ્ત્રાસ્ત્ર વિના ખેંગારજીના શિબિરમાં આવ્યો અને તેના આવવાના સમાચાર ખેંગારજીને મળતાં તેણે તેને પોતાના તંબૂમાં બોલાવ્યો. ખેંગારજી તથા સાયબજી એક આસનપર બેઠા હતા; પાસે છચ્છર, રણમલ્લ તથા સેનાપતિ અને અંગરક્ષકો આદિ ઊભા હતા અને ખવાસો 'ખમ્મા ખમ્મા'નો ધ્વનિ કરી રહ્યા હતા; એવામાં જામ રાવળ ત્યાં આવ્યો અને મસ્તકને અવનત કરી હસ્તદૂય જોડીને ખેંગારજી સમક્ષ ઊભો રહ્યો. તેના એક કર્મચારીના હસ્તમાં તેની તલ્વાર હતી તે તેણે ખેંગારજીના ચરણમાં મૂકી દીધી અને એ કૃતિ પરાજયના સ્વીકારને દર્શાવનારી હોવાથી જેવી તેણે તલ્વાર મૂકી કે તરત ખેંગારજીએ પોતાના આસનપરથી ઊઠીને તેને આલિંગન આપ્યું અને ત્યાર પછી માનપૂર્વક તેને પોતાની પાસેના એક આસનપર બેસાડીને ગંભીરતાથી કહેવા માંડ્યું કે:–

"પૂજ્ય કાકા, તમોએ પરાજયનો સ્વીકાર કરી લીધો છે અને તે સાથે આપણા યુદ્ધ તથા વૈરભાવનો અંત આવી ગયો છે. તમોએ અમારા પૂજ્ય પિતાશ્રીનો વિશ્વાસથી ઘાત કર્યો હતો એટલે અમો પણ જો ધારીએ, તો તમારા પ્રાણ લેવાને સમર્થ છીએ; પરંતુ શરણાગતનો સંહાર ક્ષત્રિયધર્મમાં નિષિદ્ધ હોવાથી અમો તમારી હત્યા કરવાના નથી; કારણ કે, એથી અમારા કુળમાં શાશ્વત કલંક લાગવાનો