આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
કચ્છનો કાર્તિકેય

પણ એ સભામાં વિપુલતા હતી અને વારાંગનાનો પણ અભાવ નહોતો. નોબત તથા શરણાઈઓ વાગતી હતી અને સર્વત્ર કેવળ આનન્દ, હર્ષ તથા ઉત્સાહનો જ અધિકાર વ્યાપેલો દેખાતો હતો. ભારતવર્ષના લોકો રાજાને ઈશ્વરનો અંશ માનતા હોવાથી અને વિશ્વના અન્ય કોઈ પણ રાષ્ટ્રમાં રાજાની ઉત્કૃષ્ટતા વિશે એટલી ઉન્નત ભાવના અસ્તિત્વ ધરાવતી ન હોવાથી રાજનિષ્ઠા કિંવા રાજભક્તિના વિષયમાં ભારતવર્ષના લોકોની સમાનતા અન્ય કોઈ પણ દેશના લોકોથી કરી શકાય તેમ નથી, એ સત્ય તત્ત્વના રહસ્યનો કચ્છના પ્રજાજનોની રાજભક્તિથી આજે સંપૂર્ણ સ્ફોટ થતો હતો; કારણ કે, પોતાની એ રાજભક્તિને સંપૂર્ણ રૂપથી પ્રકટ કરવા માટે તેમણે 'આજે જો કોઈના ગૃહમાં કોઈનું મરણ થઈ જાય, તો પણ તે મરણની વાર્ત્તાનો પ્રકાશ ન કરવો અને રુદન કિંવા વિલાપના અમંગલ ધ્વનિથી આજના મંગલ પ્રસંગમાં બાધા ન કરવી' એવા પ્રકારનો કઠિન પ્રબંધ કરી દીધો હતો. આ કારણથી કોઈ પણ સ્થળે શોકની ઝાંખી છટા પણ ક્યાંય જોવામાં આવતી નહોતી. શુભ મુહુર્ત્ત તથા શુભ ઘટિકા થતાં જ ખેંગારજી સુલતાન બેગડાના આપેલાં વસ્ત્રો પરિધાન કરીને તથા કમ્મરે તલ્વાર લટકાવીને પોતાના બે બંધુઓ સહિત સભામાં આવ્યો અને તે વેળાયે જાણે શ્રીરામચન્દ્રજી સિંહાસને વિરાજવામાટે પોતાના લક્ષ્મણ તથા ભરત નામક બે બંધુઓ સહિત પધાર્યા હોયની ! એવો જ સર્વ સભાજનોને ભાસ થવા લાગ્યો. સાપરમાં જેવી રીતે સેંસે સિંધલે ઢાલનું છત્ર ધર્યું હતું તેવી રીતે અહીં પણ ધર્યું અને જમાડીને અશ્વ આપનારી બાઈ–ખેંગારજીએ જેને પોતાની ધર્મભગિની કરી હતી, તે બાઈપાર્વતીએ–ખેંગારજીના ભાલને તિલકમંડિત કર્યો; અહમ્મદાબાદની સતી માધુરીએ પોતાના ધર્મબંધુને માંગલિક પુષ્પમાળા પહેરાવી અને ત્યાર પછી ખેંગારજી સિંહાસનપર વિરાજ્યો. સાયબજી તેની જમણી બાજૂના આસનપર અને રાયબજી ડાબી બાજૂના આસનપર વિરાજીને સભાના આનન્દને વધારવા લાગ્યા. સાપર પ્રમાણે સર્વથી પ્રથમ મોકળસિંહ પખેજીએ કાળા ધાબળાનું નજરાણું કર્યું અને ત્યાર પછી સુલ્તાન બેગડાની મોકલેલી ખિલત ખેંગારજીને આપતાં સુલ્તાન બેગડાના પ્રતિનિધિએ સભામાં ગંભીર સ્વરથી ભાષણ કર્યુંં કે:—

“કચ્છદેશના અખંડપ્રૌઢપ્રતાપ અને ગોબ્રાહ્મણપ્રતિપાલ શ્રીમાન્ રાવશ્રી ખેંગારજી બહાદુર, તેમના રાજભક્ત અધિકારીઓ, રાજભક્ત નાગરિકો, રાજનિષ્ઠ પ્રજાજનો તથા માન્યવર અતિથિ મહાશયો અને મહાશયાઓ, અહમ્મદાબાદના નામદાર સુલ્તાન મહમૂદ બેગડા