આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
કચ્છનો કાર્તિકેય

થયા કરે છે; કારણ કે, કચ્છભૂમિમાં જે જામ રાવળરૂપ તારકાસુર ઉત્પન્ન થયો હતો તે એક વેળાયે અવશ્ય અક્ષમ્ય અને દારુણ અત્યાચાર કરશે ને કચ્છભૂમિની દેવસ્વભાવધારિણી પ્રજાને ઇન્દ્રરૂપ ભૂપાલથી વિહીન કરી ત્રાહિ ત્રાહિ પોકરાવશે એ ભાવિના ભેદને પરમાત્મા પ્રથમથી જ જાણતો હતો અને તે માનવજાતીય તારકાસુરના પરાજયમાટે આપ શ્રીમાન્ સમાન માનવજાતીય કાર્તિકેયની ઉત્પત્તિ કરીને પરમાત્માએ તેના પરાજયમાટે આપ શ્રીમાન્‌ને અકસ્માત્ અને વિલક્ષણ સંયોગોમાં નાનાવિધ બળોની પ્રાપ્તિ પણ કરાવી આપી હતી; અર્થાત્ આપ શ્રીમાન્‌ને યથાનુક્રમ દેવીના આશીર્વાદરૂ૫ બળ, પ્રજાપ્રીતિરૂપ બળ, આત્મવિશ્વાસરૂ૫ બળ, બાહુબળ, મિત્રસાહાય્યરૂપ બળ અને ધર્મ નીતિરૂપ બળ એવી રીતે છ બળોની પરમાત્માની કૃપાથી પ્રાપ્તિ થઈ હતી અને તે છ પ્રચંડ બળો જામ રાવળના એક માત્ર અધર્માત્મક અસિબળને નષ્ટ કરી નાંખવાનું સંપૂર્ણ સામર્થ્ય ધરાવતાં હોવાથી તેનો આપ શ્રીમાન્‌ના વરદ હસ્તથી પરાજય થતાં આજે આપશ્રીમાન્‌ના યશ:દુંદુભિનો નાદ સર્વત્ર પ્રસરી રહ્યો છે; માત્ર એટલું જ નહિ, પણ વિપત્તિની વેળામાં જ આપ શ્રીમાન્‌ને દેવસેનારૂપિણી નન્દકુમારી નામક ગૃહલક્ષ્મીની પણ પ્રાપ્તિ થયેલી છે અને બાલ્યકાળમાં આપશ્રીમાને ચન્દ્રપત્ની કૃત્તિકાની સંપૂર્ણ પ્રતિસ્પર્ધા કરી શકે તેવી ક્ષત્રિય કુલદીપિકા વીરમાતાના દુગ્ધનું પાન કરેલું છે એટલે માનવજાતિમાં આપ શ્રીમાન્‌ની યોગ્યતા કાર્તિકેય સમાન હોવાથી જેવી રીતે આપશ્રીમાન્‌ને સુલ્તાન મહમૂદ બેગડાએ 'રા' પદવીથી વિભૂષિત કરેલા છે તેવી જ રીતે હું આપ શ્રીમાન્‌ને 'કચ્છનો કાર્તિકેય' એ નવીન અને અધિકયોગ્યતા સૂચક પદવી આપું છું અને સર્વે સભાસદોને કચ્છના કાર્તિકેયનો ગગનભેદક જયજયકાર કરવાની સૂચના કરું છું.”

યતિની આ સૂચનાને સર્વ સભાસદોએ “કચ્છના કાર્તિકેયનો સર્વ સમયમાં અને સર્વ સ્થાનમાં જયજયકાર થાઓ તથા એ શ્રીમાન્ ચિરાયુ પદને પ્રાપ્ત કરી પિતા પ્રમાણે પ્રજારૂ૫ પુત્ર પુત્રીનું પાલન કરતા રહો!” એ પ્રમાણેના ગગનભેદક જયજયકાર ધ્વનિથી વ્યવહારમાં યોજી બતાવી અને પોતાની આંતરિક રાજભક્તિ તથા હર્ષભાવનાનો સાક્ષાત્કાર કરાવી દીધો. અમોએ પણ આ કારણથી જ શ્રી ખેંગારજી ૧ લાને 'કચ્છનો કાર્તિકેય' કહીને ઓળખાવેલો છે.

રાજ્યાભિષેકમહોત્સવની આવી રીતે આનન્દમય સમાપ્તિ થતાં બીજા દિવસથી અન્ય સ્થળોમાંનાં આવેલાં અતિથિઓ અનુક્રમે પોતપોતાના