આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
કચ્છનો કાર્તિકેય

ભોજરાજજી બંધુના યોગ સહિત જન્મેલો હોવાથી ખેંગારજીની રાણીએ ભોજરાજના જન્મ પછી ત્રણેક વર્ષે દ્વિતીય પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ભારમલ્લજી રાખવામાં આવ્યું. રાજસત્તા, રાજવૈભવ, સંપતિ તથા સંતતિ આદિ સર્વ સુખોની એકસમયાવચ્છેદે પ્રાપ્તિ થવાથી પરમેશ્વરનો ઉપકાર માનીને પોતાને અત્યંત ભાગ્યશાળી ધારી એ રાજદંપતી આનંદ તથા હર્ષસહિત પોતાનો સમય વીતાડવા લાગ્યાં અને 'સર્વને પ્રભુ એવા સુખનો સમય દેખાડે!' એવા ઉદ્‌ગારો કાઢીને સર્વનું કલ્યાણ ઈચ્છવા લાગ્યાં.

પ્રિય પાઠક તથા પાઠિકાઓ, આપણું સુખાન્ત કિંવા સંયોગાન્ત નવલકથાની આ સ્થળે સમાપ્તિ થાય છે; પરંતુ રાવશ્રી ૧ લા ખેંગારજીના જીવનના અંતિમ ભાગમાંની કેટલીક ઘટનાઓ પણ જાણવાયોગ્ય હોવાથી તેમનો ઉલ્લેખ કરવાની પણ આવશ્યકતા છે અને તે ઉલ્લેખ ઉપસંહારમાં સંક્ષિપ્ત રૂપથી કરાયલો છે; કારણ કે, પ્રસ્તુત પરિચ્છેદમાં જો તે ઉલ્લેખ કરવામાં આવે, તો શિષ્ટાચારનો તેથી ભંગ થાય, એવો સંભવ છે. રાવશ્રી ખેંગારજી ૧ લાના સચ્ચારિત્ર્ય અને સંયમ આદિ ગુણોનો પણ ઉપસંહારમાં જ આપણે યોગ્ય વિચાર કરીશું. અત્યારે તો અમારો સર્વને એ જ આશીર્વાદ છે કે, સર્વજનો સુખી થાઓ, નિરામય થાઓ અને કોઈને પણ દુઃખની પ્રાપ્તિ ન થાઓ!

—:O:—
ઉપસંહાર

ગુજરાતની રાજધાની અહમ્મદાબાદ નગર જોઈ આવ્યા પછી રાવશ્રી ખેંગારજીની એવી ઇચ્છા થઈ હતી કે, કચ્છમાં પણ જો એવાં મોટાં નગરો વસી જાય, તો સારું; અને એ ઇચ્છાથી તેણે સંવત્ ૧૬૦૨ ના માર્ગશીર્ષ માસની કૃષ્ણ અષ્ટમી અને રવિવારને દિવસે અંજારનું તોરણ બાંધ્યું હતું; કારણ કે, ત્યાં એક વિશાળ નગર વસાવવાનો અને તેને પોતાની રાજધાની કરવાનો તેનો વિચાર હતો; પરંતુ એ યોજના હજી તો ચાલતી હતી તેવામાં ત્રણેક વર્ષ પછી તે ફરતો ફરતો કચ્છમાંના એક પર્વત પાસે આવી પહોંચ્યો. તે પર્વતમાં એક દેવાંશીય ભુજંગ વસતો હતો અને તેથી તે પર્વત 'ભુજંગ પર્વત' અથવા 'ભુજિયા ડુંગર'ના નામથી ઓળખાતો હતો. એ પર્વતની તળેટીમાં હમીર નામનો એક રબારી પોતાની આથ સહિત રહેતો હતો, તેણે એક તળાવડી ખોદી હતી અને તે તળાવડી 'હમીરાઈ' નામથી ઓળખાતી હતી; તેની પાસે જંદો નામક એક