આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
કચ્છનો કાર્તિકેય

એવો બનાવ બન્યો કે રા ખેંગાર એકલો શિકારે નીકળ્યો હતો તેવામાં તે બાર મારાએ આવીને તેને ઘેરી લીધો; પરંતુ ખેંગાર પોતાના હસ્તમાં નિરંતર ખુલ્લું ખાંડુ રાખતો હોવાથી કટાકટીનો વખત આવેલો જોઈને પટાનો એવો તે ચક્રાકાર પ્રહાર કર્યો કે તેથી તે બારે મારાઓની ખોપરીઓ કાનના ઉપરના ભાગ પાસેથી ઊતરી ગઈ. ત્યાર પછી રાવશ્રીએ તેમનાં શબો પર ચાદર નાખી તે ચાદરને પત્થરથી દબાવીને દરબારમાં આવી સાયબજીને કહ્યું કે “ફલાણા વોંકળામાં એક શિયાળવું મરેલું પડ્યું છે, તેને જોઈ આવો.” સાયબજીએ ત્યાં જઈને જ્યારે બાર મનુષ્યને એક જ રીતે ખોપરી વગરનાં જોયાં, એટલે ખેંગારજી વિષયક તેના ક્રોધનો અંત આવી ગયો અને તેના મુખમાંથી એવો ઉદ્‌ગાર નીકળ્યો કેઃ “જે વીરનર પટાના આવા હાથ જાણતો હોય તે જો જરા ઓઠેરે તો તેથી માઠું લગાડવાનું કાંઈ પણ કારણ નથી!”

**** *

જામ રાવળે હાલારમાં પોતાના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કર્યા પછી પોતાના ભાઈ હરધોળજી (હરધવલ)ને ધ્રોળ ગામ આપ્યું હતું. તે હરધોળજીનો જસોજી નામક કુમાર એક વાર પોતાના સસરા હળવદના રાણા રાયસંગજી સાથે ચોપાટ રમતો બેઠો હતો તેવામાં અતીતોની એક જમાત ગામ બહારના ભાગમાં નગારાં વગાડતી નીકળી. નગારાંનો અવાજ સાંભળીને જસાજીએ પોતાના નોકરને પૂછ્યું કે: "આપણા ગામના પાદરમાં આ નગારાં કોનાં વાગે છે વારુ?” તેના એ પ્રશ્નને સાંભળીને રાયસંગજીએ તેને–પોતાના જમાઈને–પૂછ્યું કે: "બીજા કોઈનાં નગારાં તમારા ગામને પાદર વાગે, તો તમો શું કરો ?” એના ઉત્તરમાં જસાજીએ કહ્યું કેઃ “તે નગારાંપર જોડા મારીને નગારાંને વાગતાં બંધ કરાવીએ.” આ ઉત્તર સાંભળીને રાયસંગજી હળવદ ગયો અને ત્યાંથી વિશાળ સૈન્ય સહિત પાછો આવી તેણે ધ્રોળના પાદરમાં ભીષણ નાદથી નગારાં વગડાવ્યાં. જસાજીએ તે નગારાં પર જોડા મારવા માટે ભીષણ યુદ્ધ કર્યું, તે યુદ્ધમાં ઉભય પક્ષનાં બહુ સૈનિકો કામ આવી ગયાં અને જસાજી પોતે પણ વીરગતિને પામ્યો. મરતાં મરતાં જસાજીએ પોતા પાસે ઊભેલા એક ચારણને માત્ર એટલા શબ્દો જ કહ્યા કેઃ “કૃપા કરીને તું ભુજનગરમાં જઈ સાયબજી હમીરાણીને મારા રામરામ કહેજે.” સાયબજી હમીરાણી એટલે હમીરનો પુત્ર સાયબજી. ચારણે ભુજનગરમાં આવી દરબારમાં સાયબજીને જસાજીના રામરામ કહ્યા અને તેના મરણનો વૃત્તાંત સંભળાવ્યો એટલે