આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
કચ્છદેશ અને તેનો પૂર્વ ઇતિહાસ

જામ ભીમજીના રાજત્વકાળમાં કચ્છના બાડા પ્રગણામાં ગજણ વંશનો ધરાપતિ જામ લાખો હતો. તે એક વેળા વાગડમાં પોતાને સાસરે ગયો હતો. ત્યાંથી જે વેળાએ તે પાછો વળ્યો, તે વેળાએ હબ્બાય ડુંગરની આસપાસમાં વાંઢ કરી રહેલા સંઘારોએ તેને રોક્યો અને રાતે દગાથી મારી નાખ્યો. એનું મરણ કેટલાકો બીજી રીતે પણ બતાવે છે. ગમે તેમ હોય, પણ એના પરલોકવાસ પછી એનો કુમાર રાવળસિંહ સિંહાસનારૂઢ થયો. પોતાના પિતા લાખાની ઉત્તરક્રિયાના અવસરે રાવળે એક મહાયજ્ઞ કરીને પોતાના સર્વ ભાયાતોને બોલાવ્યા હતા, પણ કેટલાંક કારણોથી જામ ભીમજી તથા તેનો કુમાર જામ હમ્મીરજી ત્યાં ગયા નહોતા. એ અપમાનનો કાંટો જામ રાવળના મનમાં ખૂંચ્યા કરતો હતો; તો પણ ઉપરથી એ ગત વાર્ત્તાનું જાણે પોતાને સ્મરણ જ નથી એવો ભાવ બતાવી જ્યારે જામ ભીમજીનો સ્વર્ગવાસ થયો, તે વેળાએ રાવળ તેમની ગૂડાવાર-પાથરણા-પર આવ્યો હતો અને તેણે જામ હમ્મીરજીને બહુ જ સ્નેહભાવ બતાવીને કહ્યું હતું કેઃ “આપણા પૂર્વજોએ સીમામાટે લઢીવઢીને ઉભય પક્ષની બહુ જ હાનિ કરી છે; માટે વાંધાવાળું સ્થાન હું છોડી દઉં છું અને તમો પણ હબ્બાય ડુંગરની હદને મૂકીને પાછા લાખિયાર વિયરે પધારો. આમાં ઉભય પક્ષની શોભા છે.” રાવળનાં એવાં બહુ જ વિશ્વાસદર્શક વચનો સાંભળીને જામ હમ્મીરજી ભોળવાઈ ગયો અને રાવળના વચનને માન આપી પોતે પાછો લાખિયાર વિયરે જઈ રહ્યો. જામ રાવળ બાડામાં જઈને આનંદથી દિવસ વીતાડવા લાગ્યો.

ધીમે ધીમે જામ રાવળે જામ હમ્મીરજી સાથેનો પોતાનો મૈત્રીસંબંધ કેટલો બધો વધારી દીધો હતો અને તેના મનમાં પોતા વિશેનો કેવો દ્દઢ વિશ્વાસ બેસાડી દીધો હતો, એ આપણે ઉપર જોઈ આવેલા હોવાથી એના વિશેષ વિવેચનની અત્ર આવશ્યકતા નથી. પરંતુ જે રાજકારણપટુ, રાજનીતિવિશારદ તથા રાજપ્રપંચજ્ઞાતા પુરુષો હતા તેઓ જામ રાવળના કપટભાવને સારી રીતે જાણતા હતા અને તેના “સુધા વસે જિહ્વાગ્રમાં, હૃદયે વિષભંડાર !' એ સ્વભાવને બરાબર પિછાનતા હતા. આ કારણથી જ જામ હમ્મીરજીને તેમનાં રાણી, પ્રધાન ભૂધરશાહ તથા અન્ય જનોએ રાવળનો વિશ્વાસ ન રાખવામાટેનો ઉપદેશ આપ્યો હતો. પરંતુ હઠીલા રાજાએ કોઈનું કાંઈ પણ ન માન્યું અને અંતે પોતાનુંજ ધાર્યું કર્યું. આપણે ગત પરિચ્છેદમાં જામ હમ્મીરજીને રાવળના આદરાતિથ્યનો ઉપભોગ લેતો બાડામાં મૂકી આવ્યા છીએ, તો ચાલો હવે ત્યાં જઈને જોઈએ કે, રાણી અને પ્રધાન આદિની