આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
કચ્છનો કાર્તિકેય

માથું દેવું ! અમો આજે માથાપર કફન બાંધીને જ આવ્યા છીએ. એટલે આપ એ વિશેની જરા પણ ચિન્તા ન રાખવી," ચારમાંના પ્રથમ મનુષ્યએ હિમ્મતથી જવાબ આપ્યો.

“જો અમો ખરેખર જલ્લાદની ઔલાદના હઈશું, તો તો આ ફૌલાદની તલ્વારથી રાજાને ક્ષણ માત્રમાં સ્વર્ગનાં દ્વાર દેખાડી દઈશું !” બીજાએ બહાદુરી બતાવીને કહ્યું.

“આજે અમો એ ક્રૂરતાને જ પોતાની ઈષ્ટ દેવી બનાવી છે." ત્રીજાએ પોતાનો મનોભાવ જણાવ્યો.

"આજે નિર્દયતા જ અમારી આરાધ્ય દેવતા થવા આવી છે! ” ચોથાએ ચપળતાથી તેવો જ અભિપ્રાય દર્શાવ્યો.

“ખરેખર આજની તમારી આ હિમ્મત સિંહને પણ હિમ્મતમાં પાછો હટાવી દે તેવી છે. જાઓ અને સાવધ રહો. પરિણામના વિચારને હૃદયમાં નિરંતર મૂર્તિમાન્ રાખજો.” ચામુંડરાજે ધન્યવાદ સાથે ચેતવણી આપીને ધીમા સ્વરથી કહ્યું.

ચારે જલ્લાદો એક પછી એક નમન કરીને ત્યાંથી ચાલતા થયા અને ત્યાર પછી પુનઃ ચામુંડરાજ એકલો જ વિચાર કરતો મનોગત કહેવા લાગ્યો કે;—

"લોકો એમ કહે છે કે, જે મનુષ્યો આ નશ્વર વિશ્વના ચાર દિવસના ક્ષણભંગુર વૈભવમાટે અનેક પ્રકારનાં પાપ અને પ્રપંચ આચરે છે તે અંતે નરકમાં સંચરે છે અને ત્યાં યમના દૂતો તેને અસહ્ય યાતનાઓ આપીને ભયંકર શિક્ષા કરે છે: પરંતુ હું એવી વાતોને નથી માનતો, મારા પોતાના સ્વાર્થ સમક્ષ પાપ તથા પુણ્યને નથી પિછાનતો ! સ્વર્ગ અને નરક એ બધી કહેવાની અને લોકોને વિના કારણ ડરાવવાની જ વાતો છે. લક્ષ્મીની વિપુલતા જ સ્વર્ગસુખાકાર છે અને દરિદ્રતા જ સાક્ષાત નરકદ્વાર છે ! આ જગતમાં ધનહીનની જરાય પ્રતિષ્ઠા નથી અને ધનવાનની પ્રતિષ્ઠાનો પાર નથી. ત્યારે જે માર્ગે ધનનો લાભ મળતો હોય, તે માર્ગમાં શામાટે સંચાર ન કરવો ? બસ, કોઈ પણ ઉપાયવડે ધન મેળવવું એ જ મારો નિર્ધાર છે; મારા મનમાં પરમેશ્વરનો ભય નથી કે ન પાપ પુણ્યનો વિચાર છે !”

એ પ્રમાણે વિચાર કરતો તે પણ ત્યાંથી ચાલતો થયો. હવે આપણે વાર્ત્તાના વિષયમાં આગળ વધવા પૂર્વે એ ચામુંડરાજ કોણ હતો એ જાણી લેવું જોઈએ.

ચામુંડરાજ રાજપૂત જાતિનો, પરંતુ ક્રૂર હૃદયનો અને સ્વાર્થપરાયણવૃતિનો એક મહા અધમ પુરુષ હતો, એમ કહેવામાં કશો પણ