આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
४४
કચ્છનો કાર્તિકેય

જામ હમ્મીરજીના ઊતારાવાળા સ્થાનને અનેક પ્રકારે શૃંગારવામાં અને સુશોભિત બનાવવામાં જામ રાવળે કશી પણ કચાશ રાખી નહોતી. ચારે તરફ ઊભા કરેલા વિશાળ તંબૂઓપર સોનાના કળશ ચઢાવી દેવામાં આવ્યા હતા અને અસ્તાચલમાં જતા સૂર્યનાં કિરણોનું તેમના પર પતન થતાં તેજનું પરાવર્તન થવાથી એક પ્રકારની વિચિત્ર લીલા જોવામાં આવતી હતી. ચાર તંબૂઓની વચ્ચે જે એક મોટો ચૉક હતો, તેના ચાર ખૂણે ચાર થાંભલા ઉભા કરી ઉપરથી રેશમનો ચંદરવો બાંધી લીધો હતો અને જમીન પર મોટી કીમતના ગાલીચા પાથરીને તેના પર જામ હમ્મીરજીને બેસવામાટેના કીનખાબથી મઢેલા ઉચ્ચ આસનની યોજના કરવામાં આવી હતી. ગાનારી અને નાચનારી વારાંગનાઓ, ગવૈયા, સારંગીવાળા ઉસ્તાદો અને તબલચીઓ રાજાનું મનોરંજન કરવામાટે હાજર હતાં. ભાંડોનો પણ સુકાળ હતો. એટલે કે, જો દુષ્કાળ હોય, તો તે કેવળ કવિ, કોવિદ અને પંડિત પૌરાણિકોનો જ હતો અને તે હોય એમાં નવાઈ પણ નહોતી. કારણ કે, 'કવિયનકો કહા કામ કૃપણકચારીમેં ?' અર્થાત્ જામ રાવળ જેવા દુષ્ટ હૃદયના મનુષ્યને ત્યાં નીતિવિજ્ઞ વિદ્વાનો હોઈ જ કયાંથી શકે ? એ મંડપથી થોડાક અંતર૫ર એક પડદાથી ચારે તરકની જમીનને ઘેરી લઇને રસોઈઆઓ રસોઈ કરવામાં પ્રવૃત્ત થયા હતા. મંડપની વચ્ચે દારૂની સુરાહી તથા પ્યાલીઓ અને કસૂંબામાટે અફીણના ગોળા આદિ વસ્તુઓ મદ ઉત્પન્ન કરવા માટે તૈયાર રાખવામાં આવી હતી. રાજાના ભોજનમાટે થોડા અંતરપર ઊભા કરેલા તંબૂમાં યોગ્ય વ્યવસ્થા કરેલી હોવાથી નૃત્યગાનની સમાપ્તિ થવા પછી રાજા ત્યાં જવાનો હતો.

સૂર્યના અસ્તાચલગમનનો સમય વધારે અને વધારે નિકટમાં આવતો જતો હતો. સૂર્યાસ્તથી કિંચિત્ પૂર્વે જામ હમ્મીર પોતાના સેવક છચ્છરબૂટા અને બીજા કેટલાક આજ્ઞાધારકો સહિત પોતાના તંબૂમાંથી બહાર નીકળવાની તૈયારીમાં હતો એટલે જામ રાવળના એક અનુચરે આવીને રાવળને ખબર આપી કેઃ “મહારાજ પધારે છે.” એ ખબર સાંભળી જામ રાવળે ચામુંડરાજને ઉદ્દેશીને કહ્યું કેઃ “ચામુંડરાજ, સાવધ ! રાજા પધારે છે એટલે આપણે પણ બીજા ખુશામદી માણસો પ્રમાણે એને માન આપવામાટે ઊઠીને સામા જવું જોઈએ; કારણ કે, આ દુનિયાના લોકોને બેવકૂફ બનાવવા માટે ખુશામદ જેવું બીજું એક પણ ઉત્તમ સાધન મળી શકે તેમ નથી.”

“ખરું છે, ખુશામદથી જ જગતને વશ કરી શકાય છે. જ્યાં