આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
કચ્છનો કાર્તિકેય

એમાં સંતાડેલા હશે, તો તેમના શરીરમાં ભાલાની અણીનો પ્રવેશ થવાથી તે લોહીથી ખરડાઈને જ બહાર નીકળશે એટલે પછી જે ગંજીમાં તેઓ હોય તે ગંજીમાંથી તેમને કાઢીને કેદ કરતાં જરા પણ વિલંબ લાગશે નહિ” બુઢ્ઢા સિપાહીએ પોતાનો વિચાર દર્શાવ્યો.

"બહુ સારું, ત્યારે એમ યોગ્ય લાગતું હોય, તો એ પ્રમાણે કરો.” શિવજીએ અનુમોદન આપ્યું.

શિવજીએ નિરુપાયવશાત્ એ અનુમોદન આપ્યું તો ખરું, પરંતુ તેના મનમાં અતિશય તર્કવિતર્ક થવા લાગ્યા. કોઈ પણ અદ્રશ્ય પ્રેરણાથી કિંવા ધર્મના પ્રભાવથી તેના વિચારો એવા તો પવિત્ર અને પરિવર્તિત થઈ ગયા હતા કે કુમારોનો પત્તો ન મળે તો સારું, એ જ તેની મુખ્ય ભાવના હતી; માત્ર એટલું જ નહિ, પણ જો કુમારો મળે, તો પણ ખુલ્લી રીતે જામ રાવળની સામા થઈને તેમને બચાવવાનો તેણે ગુપ્ત નિશ્ચય કર્યો અને સિપાહીઓના કાર્યનું તે એક ધ્યાનથી અવલોકન કરવા લાગ્યો.

જે વેળાએ ગંજીઓમાં ભાલા ખોસવાનો સર્વનો નિશ્ચય થયો તે વેળાએ ભીંયાના જીવમાંથી અર્ધ જીવ તો તત્કાળ પ્રયાણ કરી ગયો અને તેની સ્ત્રી પણ સાલ્લામાં મુખ છુપાવીને રડવા લાગી. પરંતુ હવે તેમનો કશો પણ ઉપાય ચાલી શકે તેમ ન હોવાથી નિરાશ થઈને તેમણે કુમારોના રક્ષણનું કાર્ય વિશ્વપાલક દયામય પરમાત્માને જ સોંપી દીધું અને જે બને તે જોતાં બેસી રહેવાનું તથા મૌન ધારણ કરવાનું જ તેમને વધારે વ્યાજબી જણાયું. કુમારોને ગંજીમાં શેાધવાનું કાર્ય દુષ્ટ ચામુંડરાજને સોંપવામાં ન આવ્યું એ એક રીતે કુમારોનાં અને તેમના શુભેચ્છકોનાં સદ્‌ભાગ્ય જ કહી શકાય. અસ્તુ.

સિપાહીઓએ પોતાના કાર્યનો આરંભ કરી દીધો અને અનુક્રમે એક પછી એક ગંજીઓમાં ભાલાનો પ્રહાર કરવા માંડ્યો. સર્વે મળીને સત્તર ગંજીઓ હતી તેમાંની સોળ તો તેઓ તપાસી ચૂક્યા અને ત્યાર પછી કુમારોને મધ્યમાંની જે સત્તરમી ગંજીમાં સંતાડવામાં આવ્યા હતા તેની પાસે તેઓ આવી લાગ્યા. શિવજી પણ એ વેળાએ તેમની સાથે જ હતો.

ભીંયાના નિર્દોષ બાળકોના વધની ઘટનાને જોઈને ગ્લાનિ પામેલા, ગામમાં શોધ ચલાવીને થાકેલા અને સોળ સોળ ગંજીઓમાં બળપૂર્વક ભાલા ભોકીને અત્યંત શ્રમિત થયેલા સિપાહીઓ સર્વથા શક્તિહીન થઈ ગયા હતા અને તેથી મનમાં તેઓ હવે વધારે પરિશ્રમ કરવાને જરા પણ ઈચ્છાવાન્ નહોતા. તેમની એ અનિચ્છાની છાયા તેમનાં