આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
શિવજીનું સાહસ

ગયો અને પોતાની સાથેના સારા સારા બેચાર કામદારોને એકત્ર કરીને પૂછવા લાગ્યો કેઃ “હવે આપણે શો માર્ગ લેવો વારુ ? કુમારો અહીં હોવાની શંકાથી પ્રજાજનોને આપણે અસહ્ય પીડા આપી છે, ભીંયાના નિર્દોષ બાળકોને મારી નાખ્યા છે અને બીજા પણ અગ્નિ ઇત્યાદિના ત્રાસ વર્ત્તાવ્યા છે એટલે આનું કાંઇ માઠું ફળ આપણને ચાખવું ન પડે, એમાટેનો કોઈ ઉપાય શોધી કાઢવો જોઈએ.”

શિવજીએ તરત સલાહ આપી કેઃ “આપણે ખરેખર અત્યાચાર તો એટલો બધો કર્યો છે કે જેનું વર્ણન કરતાં પણ જિહ્વા અટકી જાય છે અને હૃદયમાં કંપ ઉત્પન્ન થાય છે; છતાં મારો એ અભિપ્રાય છે કે, આ ગામનાં બધાં માણસોને એકઠા કરીને આપ એક ભાષણ કરો અને તેમની ક્ષમા માગી, પોતા તરફથી શોક દર્શાવીને તેમને ગામ વસાવીને રહેવામાટેની વ્યવસ્થા કરી આપો એટલે કાંઈક સમાધાન થઈ જશે.”

એ ઉપદેશ અક્ષરે અક્ષર જામ રાવળને ગળે ઊતર્યો અને તેથી તેણે પોતાની છાવણીમાં ગામનાં સર્વ સ્ત્રીપુરૂષોને એકત્ર કરી તેમના સમક્ષ નમ્રતાથી વ્યાખ્યાન આપતાં કહ્યું કે:—

"વિશ્વમાં સર્વ મનુષ્યોને ઈશ્વરે જ ઉત્પન્ન કર્યા છે; અર્થાત્ પરમેશ્વર પિતા છે અને સર્વ મનુષ્યો તેનાં પુત્ર પુત્રી છે. આપણે બધા એ એક જ પિતાના પુત્ર હોવાથી આપણો ભ્રાતૃભાવ પ્રકટ જ છે. સારાંશ કે, એ નિયમ અનુસાર તમો સર્વ મારા બાંધવો જ છો. પરંતુ એમાં પરાપૂર્વનો એક એવો નિયમ છે કે રાજા વિના વિશ્વનું ચક્ર સુયંત્રિત ચાલી શકતું નથી અને એટલામાટે રાજાની પદવી સર્વથી ઉચ્ચતમ હોય છે અથવા મનાય છે. રાજાની પદવી અત્યંત ઉત્કૃષ્ટ હોવાથી તે પોતાની પદવી સહજમાં બીજાને આપી દેતો નથી અને એ પદવી મેળવવાની ઈચ્છા તો સર્વના મનમાં જ રહેલી હોય છે એટલે એવા પ્રસંગે કળ, બળ કે છળના પ્રયોગ વિના એ કાર્યની સિદ્ધિ થવી અશક્ય છે અને એટલામાટે જ જગતમાં અનેક વિવાદો ઉત્પન્ન થયા કરે છે. એકને કળ, બળ કે છળથી મારી નાખીને બીજો રાજ્યનો સ્વામી થાય છે, એ અપરાધ નહિ, પણ શાસ્ત્રકારોના કથન પ્રમાણે પરાપૂર્વથી ચાલતી આવેલી એક પ્રકારની રાજનીતિ જ છે. એ રાજનીતિના માર્ગનું અવલંબન કરીને જ મારા ભ્રાતાનો વધ કરી આજે હું કચ્છદેશનો સ્વામી થયો છું. રાજ્યપ્રાપ્તિ થવા પછી રાજાને જે બીજું કર્ત્તવ્ય કરવાનું હોય છે તે એ છે કે રાજ્યને નિષ્કંટક કરવું. સ્વર્ગવાસી જામ હમ્મીરના કુમારો જીવતા હોય, તો તેઓ મારા રાજરૂપ માર્ગમાં કંટક સમાન