આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
કચ્છનો કાર્તિકેય

 જ ઈશ્વર પાસેથી તમારે માગવાનું છે. હવે છચ્છરબૂટાને બોલાવો અને અમોને અહીંથી સત્વર વિદાય કરો.”

"પણ યુવરાજ, જ્યારે પણ ઈશ્વર આપને સારા દિવસ દેખાડે, ત્યારે ઠક્કુર શિવજીનું સ્મરણ તો અવશ્ય રહેવું જ જોઈએ.” ભીંયાએ કહ્યું.

"ધર્મપિતા, હું સારી રીતે સમજું છું કે, આજનું મારુ નૂતન જીવન તે શિવજીનું સાહસ કિંવા શિવજીના સાહસનું જ પરિણામ છે !" ખેંગારજીએ કૃતજ્ઞતા દર્શાવી.

ખેંગારજીના આવા ઉદ્‌ગારથી સર્વ મિયાણા ઘણા જ પ્રસન્ન થયા અને તેમણે બહારવટું કરવાની ઈચ્છા દર્શાવી; પણ ખેંગારજીએ તેવા અયોગ્ય ઉપાય ન યોજતાં પોતાની તલ્વારથી જ વિજય મેળવવાનો નિશ્ચય બતાવવાથી તેઓ શાંત થઈને બેસી રહ્યા. કેટલાક વખત પછી ભીંયાના એક માણસ સાથે છચ્છરબૂટો પણ ત્યાં આવી લાગ્યો અને ભીંયાને તેણે વાહનવિશે પૂછ્યું. વાહનની વ્યવસ્થા થઈ શકે એમ ન હોવાથી ખેંગારજીને છચ્છરે પોતાની કાંધપર ઊપાડી લીધો અને બીજા કુમારને ભીંયાએ પોતાની પીઠ પર બેસાડી લીધો. કુમારોને લઈને એ બન્ને નિમકહલાલ, રાજનિષ્ઠ, ધર્મપરાયણ અને પુણ્યાત્મા વીરનરો–સ્વર્ગીય જીવો રાતોરાત ત્યાંથી ચાલતા થઈ ગયા અને ભયંકર અંધકારમાં જ પોતાનો માર્ગ ક્રમવા લાગ્યા. તેઓ ક્યાં ગયા અને તેમનું શું થયું, એ હવે વાર્તાના પ્રસંગમાં આગળ વધતાં આપણે જોઈ શકીશું.




ચતુર્થ પરિચ્છેદ
શત્રુ કે સુહ્રદ્ ?

ભીંયો રાજકુમારોને તથા છચ્છરબૂટાને પાંચ છ ગાઉપર આવેલા એક ગામ સૂધી પહોંચાડીને પાછો ફર્યો અને ત્યાર પછી છચ્છર તથા ઉભય કુમારો પોતાના પ્રવાસમાં આગળ વધ્યા, અરણ્યમાંનાં ભયંકર પંથને કાપતા વેગપૂર્વક ચાલતા તેઓ ઉષઃકાળમાં રણના સીમાંકમાં આવી લાગ્યા. ત્યાં થોડો સમય વિશ્રાંતિમાં ગાળીને તેઓ પાછા પંથે પડ્યા અને એક પ્રહર સૂર્ય ચઢ્યો એટલામાં તો રણની ક્ષારયુક્ત સપાટ ભૂમિનું ઉલ્લંઘન કરીને રણના પરસીમાંકમાં આવેલા ઝાલાવાડ પ્રાંતના ચરાડવા નામક ગ્રામની મર્યાદામાં તેઓ પહોંચી આવ્યા. ગ્રામના સીમાડે એક વિશાળ વટવૃક્ષની છાયામાં તેમણે મુકામ કર્યો અને છચ્છર ખાનપાનની તૈયારી કરવા લાગ્યો.