આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
શત્રુ કે સુહૃદ્દ


મધ્યાહ્ન સમય થઈ ગયો હતો. ખેંગારજી તથા સાયબજી ભોજન કરીને વટવૃક્ષની શીતળ છાયામાં વામકુક્ષી કરતા નિદ્રાવશ થયા હતા. ખેંગારજી ડાબા પગના ઢીચણપર જમણો પગ ચઢાવી સૂતો હતો, અને શીતલ મંદ પવનનો તેમનાં શ્રમિત શરીરોને સતત સ્પર્શ થતો હોવાથી તેમની નિદ્રામાં પ્રતિક્ષણે વધારો થતો જતો હતો. હૃદયમાં શત્રુના ભયની શંકા હોવાથી નિમકહલાલ છચ્છર પોતે બહુ જ થાકેલો હોવા છતાં પણ વિશ્રાંતિ કિંવા નિદ્રાનો ઉપભોગ લેવાને બદલે હાથમાં નગ્ન તલ્વાર લઈને કુમારોના રક્ષણનું કાર્ય કરતો જાગ્રત અવસ્થામાં સાવધ તથા ટટાર થઈને બેઠો હતો. મધ્યાહ્ન પછી લગભગ અર્ધ પ્રહર જેટલો સમય વીત્યા પછી ખેંગારજીના જમણા પગનું તળિયું જે દિશામાં હતું તે દિશામાંથી અચાનક એક પુરુષ ત્યાં આવી લાગ્યો અને તે ખેંગારજીના તેજસ્વી મુખમંડળ તથા વિલક્ષણ પદરેષાનું અવલોકન કરતો ત્યાં થોડીક વાર સૂધી સ્તબ્ધતા ધારણ કરીને ઊભો રહ્યો.

એ પુરુષે એક શ્વેત અધોવસ્ત્ર અને ઉપર પણ એક વસ્ત્ર એ પ્રમાણે બે શ્વેતરંગી છૂટાં વસ્ત્રો ધારણ કરેલાં હતાં, તેના માથામાં કેશનો કલાપ સારો હતો અને મુખમુદ્રા અત્યંત ભવ્ય તથા પ્રભાવશાલિની હતી. તેના હાથમાં પાણીથી ભરેલો એક લોટો હોવાથી અત્યારે તે દિશાએ જંગલમાં જતો હોવો જોઈએ એવી છચ્છરે મનમાં જ કલ્પના કરી અને તેથી તે કાંઈ પણ બોલ્યો નહિ.

બે ચાર ક્ષણમાં જ તે પુરુષ એક વૃક્ષરાજીમાં ચાલ્યો ગયો. જ્યાં સૂધી તે પુરુષ ઊભો હતો ત્યાં સૂધી છચ્છરની જિહ્વાને કોણ જાણે તાળું વસાઈ ગયું કે શું−અર્થાત્ તે કાંઈ પણ બોલી શક્યો નહિ; પરંતુ તેના જવા પછી છચ્છરના મનમાં નાના પ્રકારના શુભ અશુભ તર્કવિતર્ક થવા લાગ્યા. "આ અમારા શત્રુ દુષ્ટ રાવળનો કોઈ ગુપ્તચર તો નહિ હોય ને ? એને કાંઈ પણ પુછ્યા ગાછ્યા વિના મે અહીંથી જવા દીધો, એ મારી કેટલી અને કેવી મૂર્ખતા ! જો એણે કુમારોને ઓળખી લીધા હોય અને આવા વેશે પત્તો મેળવી આસપાસ છુપાયેલા બીજા માણસોને આ સ્થળે લઈ આવે, તો અત્યારે અમારી શી અવસ્થા થાય, એ તો ખુલ્લું જ છે. ખેર થયું તે થયું, પણ હવે જો એ એકલો જ પાછો ફરે, તો એને અટકાવવો અને અહીં ઊભા રહેવાનું કારણ પૂછવું; જો સંતોષકારક ઉત્તર આપે તો ઠીક, અને નહિ તો એનો અહીં જ આ તલ્વારથી અંત લાવી નાખવો !!" એ પ્રમાણેનો મનમાં નિશ્ચય કરીને છચ્છરબૂટો તે અજ્ઞાત પુરુષના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યો.