આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
કચ્છનો કાર્તિકેય

એઓ આવ્યા ત્યારથી એમના કલ્યાણ અને શુભ દિનનો આરંભ થઈ ચૂક્યો છે, એમ જ તારે સમજવું. અત્યારે હવે અહીંથી જવાની ઉતાવળ કરીશ નહિ; કારણ કે, નવરાત્રિના ઉત્સવમાં હવે થોડા દિવસ જ બાકી છે એટલે દેવીનું હવન થઈ ગયા પછી જ અહીંથી પ્રયાણ કરજો.”

"જેવી મહા પુરુષની આજ્ઞા. હું આપની આજ્ઞાને આધીન છું.” છચ્છરે અનુમોદન આપ્યું.

છચ્છરની આવી વિનયસંપન્નતાથી પવિત્ર યતિનું ચિત્ત અતિશય પ્રસન્ન થયું.

પાંચ સાત દિવસમાં ચૈત્ર માસના નવરાત્રિમહોત્સવનો પ્રારંભ થયો અને ત્યાર પછી હવનનો અષ્ટમીનો દિવસ આવી લાગ્યો. એક વિશાળ ચૉકના મધ્યમાં એ વાર્ષિક હોમની સામગ્રીઓ તૈયાર કરવામાં આવી. સુશોભિત અગ્નિકુંડની આસપાસ વેદપાઠી અને હોતા બ્રાહ્મણો બેસી ગયા અને વેદમંત્રોની ભીષણ ઘોષણા સહિત યજ્ઞકાર્યનો ધામધૂમથી આરંભ કરી દેવામાં આવ્યો. યતિ માણેકજીમેરજીએ પોતાના અતિથિઓને એ પ્રસંગે એક તરફ એક ગાલીચો પાથરીને તેપર બેસાડ્યા હતા. યજ્ઞના વિધિની સમાપ્તિ કિંવા યજ્ઞની પૂર્ણાહુતિ થતાં માણેકમેરજીએ અગ્નિકુંડ સમક્ષ આવી જે દેવીની પ્રસન્નતા માટે એ યજ્ઞવિધિ કરવામાં આવ્યો હતો, તે પોતાની પરમપૂજ્યા જગદંબાની હસ્તદ્વય જોડીને એકાગ્ર ધ્યાનથી પ્રાર્થના અને આરાધના કરવા માંડી:—

(રુચિરા)–"મહિષાસુરમર્દિની કાલિકા, શુંભનિશુંભવિદારક તું;
સંહારી અસુરોને ભવમાં, સુખદા શાંતિપ્રચારક તું;
તારો મહિમા દેવ દાનવો, એક ધ્વનિથી ગાયે છે;
શેષનાગથી પણ તવ વર્ણન, પૂર્ણ કદાપિ ન થાયે છે. ૧

હું એક જ જિવ્હાથી તારાં ગુણગાનો શું કરી શકું;
વાચા નિર્બળથી હે માતા, જેવા તેવા શબ્દ બકું;
નિત્ય સાનુકૂલા રહીને તું મને સુખી બહુ રાખે છે;
તારા કેવળ કૃપાકટાક્ષે જનો પૂજ્ય મતિ દાખે છે. ૨

ઉપાસના તવ અખંડ કીધી તેનો બદલો આજ ચહું;
આદિશક્તિ સર્વજ્ઞાત્રી તું, તો મુખથી હું શું જ કહું !;
કચ્છનૃપતિના કુમારને જે અભય વચન મેં આપ્યું છે;
સત્ય થાય તે, માટે કહે તું 'વત્સ, દુઃખ તવ કાપ્યું છે !.” ૩

એ પ્રમાણે પ્રાર્થના કરીને દેવીને તેણે ત્રણ વાર સાષ્ટાંગ દંડવત્