આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
કચ્છનો કાર્તિકેય

યતિની આજ્ઞા લઈ તેના આશીર્વાદ અને પ્રસાદથી મંડિત થઈ ખેંગારજી, સાયબજી તથા છચ્છર ત્યાંથી વિદાય થયા અને યતિરાજ તથા ઉપર્યુક્ત દૈવી ચમત્કાર વિશેનો વાર્ત્તાલાપ કરતા પંથ કાપવા લાગ્યા. સાયબજીએ કહ્યું કે: "મોટા ભાઈ, શું આપને કૃષ્ણવર્ણ વાહન અને શ્વેતવર્ણ ભોજન હવે આવતા પ્રથમ ગામમાંથી મળશે કે ?”

“યતિરાજના વચનમાં મારો પૂર્ણ વિશ્વાસ છે. મારી શ્રદ્ધા પ્રમાણે તો એમાં લેશ માત્ર પણ ન્યૂનાધિકતા થવાનો સંભવ નથી !” ખેંગારજીએ નિષ્ઠાયુક્ત ભાવથી કહ્યું.

“અવશ્ય માણેકમેરજી એક અપૂર્વ ચમત્કારિક પુરુષ છે, એમાં તો સંશય છે જ નહિ.” છચ્છરે પુષ્ટિ આપી.

એ પ્રમાણેના વાર્ત્તાવિનોદમાં આનંદથી પંથ કાપતા તેઓ લગભગ તૃતીય પ્રહર થઈ જવા પછી એક ગામને સીમાડે આવી લાગ્યા અને ત્યાં તળાવના કિનારાથી જરાક દૂર વૃક્ષની છાયામાં તેમણે ઊતારો કર્યો.


ષષ્ઠ પરિચ્છેદ
જન્મભૂમિનો સ્નેહ અથવા રાજભક્ત રમણી

સાયંકાળે ગ્રામની નવયૌવના નારીઓ નાના પ્રકારનાં વસ્ત્રાભૂષણો ધારણ કરીને પદનૂપુર આદિના રમઝમ ધ્વનિ સહિત શિરપર ત્રાંબા, પીતળ તથા ચાંદીનાં બેડાં લઈ પાણી ભરવાને આવવા લાગી. તેમની લીલાનું અવલોકન કરી અને તેમની ગૃહસંસારવિષયક પરસ્પર વિલક્ષણ વાર્ત્તાઓ સાંભળીને આપણા પ્રવાસી કુમારો આનંદપૂર્વક પોતાનો સમય વીતાડવા લાગ્યા. એટલામાં પાણી ભરીને પાછા ફરેલા એક સ્ત્રીસમુદાયમાંની એક યુવતિ અન્ય સ્ત્રીઓથી જૂદી પડી પાછળ રહી ગઈ અને શિરપરનાં જળથી ભરેલાં પાત્રો સહિત ઊભીઊભી એ કુમારોને એકી ટસે જોવા લાગી. તે ઘણી વાર સૂધી એમ જોતી રહી અને ખેંગારજી પણ આડી દ્રષ્ટિથી તેની એ ચેષ્ટાને નિહાળતો રહ્યો. અંતે તેણે છચ્છરને ઉદ્દેશીને કહ્યું કે:—

"છચ્છર કાકા, આ બાઈ અહીં આટલી વારથી શા કારણથી ઊભી છે અને મુખથી કેમ કાંઈ બોલતી નથી. એની જો બની શકે તો તપાસ કરો.”

"હાજ૨, અન્નદાતા !” એમ કહી છચ્છરે તે બાઈ પાસે જઈને વિનયથી પૂછ્યું કે: “બહેન, તમે અહીં કેમ ઊભાં છો અને શું જોયાં કરો છો ?”