આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
કચ્છનો કાર્તિકેય


“જ્યાં આજની રાત્રિ જ અમારે અહીં વીતાડવાની નથી, ત્યાં પછી ત્રણ ચાર દિવસની વાત તો ક્યાંથી જ હોય ?” ખેંગારજીએ કહ્યું.

સૂતારે જાણ્યું કે, દૃઢ મનના રાજવંશીયો સમક્ષ પોતાનો આગ્રહ ઉપયોગી થવાનો નથી, એટલે તેણે બીજી પ્રાર્થના કરી કેઃ “વારુ ત્યારે જેવી આપની ઈચ્છા પરંતુ અત્યારે ભોજન તૈયાર થાય છે તેનો સ્વીકાર કરીને પછી સુખપૂર્વક સિધારો.”

ખેંગારજીથી તેની આ પ્રાર્થનાનો અસ્વીકાર કરી શકાયો નહિ; કારણ કે, કોઈના આતિથ્યનો સ્વીકાર કર્યા પછી તેને ત્યાંના ભોજનનો અનાદર કરવો તે વિવેકશૂન્યતા ગણાય છે. ઉત્તમોત્તમ પકવાન્નો કરતાં ખરા પ્રેમથી અપાયેલો રોટલાનો ટાઢો કકડો પણ ઉત્કૃષ્ટ છે. એ વિશે એક સર્વમાન્ય લોકોકિત છે કે:

"માન જહાં આદર જહાં, અરુ નૈનનમે નેહ;
સજ્જન ઉસ ઘર જાઈએ, પત્થર બરસે મેહ !"

વળી કુમારો તળાવપર નાસ્તો કરવાની તૈયારીમાં હતા, તે સમયે જ તેમને અહીં બોલાવવામાં આવ્યા હતા, એટલે તેમના ઉદરમાં ક્ષુધાનો અગ્નિ પણ કિંચિત પ્રજળેલો હતો. એ સર્વ એકત્ર કારણોથી ખેંગારજીએ કહ્યું કેઃ “જો તમારો અમને જમાડીને જ જવા દેવાનો નિશ્ચય હોય, તો આ ક્ષણે ઘરમાં જે કાંઈ પણ ટાઢું ઊનું હાજર હોય, તે અમને લાવી આપો. કૃપા કરીને અમારા પ્રવાસમાં પ્રત્યવાય ન કરો.” એ વિશે કેટલોક વાદવિવાદ ચાલ્યા પછી અંતે વૃદ્ધ સૂતારે ખેંગારજીનું વચન માન્ય કર્યું અને તે ઘરના અંદરના ભાગમાં ચાલ્યો ગયો.

ખેંગારજીની ઈચ્છા જ્યારે તે વૃદ્ધ સુતારે પોતાની વિવેકશાલિની પુત્રવધૂને કહી સંભળાવી, ત્યારે તે સાંભળીને શોકાતુર થતી તે કહેવા લાગી કેઃ “પૂજ્ય સસરાજી, આપ વિવેક આદિમાં પ્રવીણ હોવાથી મારે આપને એ વિશે વધારે કાંઈ પણ કહેવા જેવું નથી. તો પણ મારે એટલું તો જણાવવું જ જોઈએ કે જો તેમની ઇચ્છા પ્રમાણે જ આપણે વર્ત્તીશું, તો તે આપણામાટે યોગ્ય તો નહિ જ ગણાય, મારા પીયરિયાંના એટલે કે મારી જન્મભૂમિના રાજકુમારોનાં પગલાં આપણા ઘરમાં ક્યાંથી હોય ! પરંતુ ઈશ્વરે જ્યારે એ અલભ્ય લાભ આપણને અચાનક મેળવી આપ્યો છે, તો એમનો આપણે જે સત્કાર કરીએ તેટલો ઓછો જ છે. રાજાનો સત્કાર અને દેવનો સત્કાર એકસમાન છે; કારણ કે, રાજામાં ઈશ્વરનો અંશ વિશેષ છે, એમ શ્રીમદ્‌ભાગવદ્‌ગીતામાં પણ શ્રીકૃષ્ણ ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહેલું