આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અને આગળ તો રાણીજી ઘર સાચવીને બાહાર જતાં એટલે જારના રોટલા સંતાડી મુક્યા હોય ત્યાંથી ચોરીને હું ખાઈ જતો પણ હવે તો ઘઊંના રોટલા, ઘી, ગોળ, પેટ ભરીને ખાઈએ છિયે અને હવે લુગડાં પણ સાંધવાં નથી પડતાં. વળી આગળ એક રાજા મેં દીઠો હતો તે સોનાની પાલખીમાં બેશીને જતો હતો, પણ હવે અમારા રાજાને સોનું તો શા લેખામાં છે, પણ રાવગોલની પાલખી કરાવશે તોપણ થશે, પણ માંહેથી ખાતો જાય અને ચાલતો જાય. અને આગળ અમે કચુકા કાંકરાથી રમતા. હવે પૈસા રૂપૈયાથી રમિયે છિયે અને શરીરે ઘણો તડકો લાગ્યાની બળતરા થતી ત્યારે ભેંશોની પેઠે સારી માટી લગાડતા, તે હવે મળિયાગર ચંદન લગાવિયે છીયે અને સરપ ઝાલવાના સાંણસા તે પણ હાથી દાંતના કરાવ્યા. હાલ અમારો રાજા મોટા આનંદથી હવન કરાવે છે, તે ભારે મુલવાળું પીતાંબર પહેરીને બેઠા છે, અને રાણીજી શણઘરાઈને જોડે બેઠાં છે, ત્યાં બ્રાહ્મણો વેદ ભણે છે અને દેવતામાં ઘીનાં તો આખાં કુલ્લાં ઠલવી દીધાં પણ ત્યાં ધુમાડો બહુ થયો છે તેથી હું તો બહાર આવતો રહ્યો, ત્યાં રહેવાયું નહીં.

શાસ્ત્રી૦: ચાલો દીકરા અમારે દેવી પાસે જવું છે.

ભીમ૦: અરે એ કોણ આવે છે ?

શા૦: ભાઈ એ તો હું છું, જે પહેલો મહા દુખમાં હતો, પણ હાલ સુખ પાંમ્યો છું તે.

ભીમ૦: એ તો હું સમજ્યો તમો કોઈ સાલસ માણસ હશો ?

શા૦: એ જ.

ભીમ૦: ઠીક તારે હવે તમારે શું જોઈએ છિયે ?

શા૦: આ, દેવી અમારા ઉપર પ્રસન્ન થયાં છે વાસ્તે અમે દરસન કરવા આવિયે છિયે. અમારા બાપનાથી આજ અમારી લાજ મોટી થઈ છે, ભાઈ પહેલો અમારે વિચાર હતો જે અમારા મિત્રોની કાંઈ બરદાસ રાખીશું તો આગળ સારૂં ફળ પામીશું.

ભીમ૦: મહારાજ તારે તો તમારા રૂપૈયા તુરત ખુટી ગયા હશે ?

શા૦: હોવે તુરત.

ભીમ૦: પછી તમે દરિદ્રપણાના દુઃખમાં પડ્યા હતા ?

શા૦: હા ભઈ, બહુ દુઃખમાં હતા, અને વળી હું જાણતો હતો જે આ લોકો અમારી સહાયતા કરશે, પણ તે તો ઊલટા અમે બોલાવિયે ત્યારે આડું જોઈને ચાલતા હતા.

ભીમ૦: હા. શાસ્ત્રીજી તે તમારી મશ્કરી પણ સારી પેઠે કરતા હશે ?