આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભી.: અરે લુચ્ચા, પણ તેમાંથી તમે ભાગ પડાવતા કે નહીં, તમારા પેટમાં તો હમેશ એટલી ભુખ રહે છે.

હ.: ભાગ તો આપતા હતા ખરા પણ ઘણું કરીને તમે ખાઈ જતા હતા.

ભી.: શા વાસ્તે ન ખાઈએ કોઈ વખત અમે પકડાઈએ ત્યારે ગેરબંધના માર ખાવા પડતા તેમાંથી તમે બરાબર ભાગ રાખતા નહીં.

હનુ.: ભાઈ હાલ, તમારો દહાડો ચડિયાતો થયો છે વાસ્તે એ ગઇ ગુજરી વાત કાંઇ સંભારવી ના જોઈએ અને મારી વિનતી ધ્યાનમાં લાવીને મને અહિ કોઈ જગો આપવી જોઈએ કે જ્યાં મારૂં ગુજરાન ચાલે.

ભી.: કેમ તમે સ્વર્ગ છોડીને અહિ નિવાસ કરશો?

હ.: હા. એમ જ કરીશું, એ સ્વર્ગ કરતાં અહિંયાં અમારૂં ગુજરાન સારૂં ચાલે છે.

ભી.: તમે તો બડાં હુંશિયાર જણાઓ છો કે પોતાના નાતજાતવાળા આપદકાળમાં પડે તો તેઓની સોબત છોડીને જુદા પડવાનું ધારો છો.

હ.: તમે શું એતો આખો વિશ્વ કહે છે કે એ હુંશિયારીનું કામ છે.

ભી.: પણ તમે અહિ, શી ચાકરી ઉપર રહેશો?

હ.: હું માતાજીનો દવારપાલ થઈશ.

ભી.: હવે જગતમાં કોઈ ચોરી કરનાર રહ્યો નથી એટલે દવારપાલનો શો ખપ છે?

હ.: હું તમારા રૂપિયા પરખનાર થઈશ.

ભી.: અરે હવે સારો ખોટો રૂપૈયો કોણ જોવા રહે છે, માપી માપીને લઈયે દેઈયે છીએ.

હ.: હું તમારો વકીલ થઈશ તે કોરટમાં ચહાય તેવો જુઠો મુકરદમો હોય તે સાચો કરી આપીશ.

ભી.: આ માતાજીની આંખ્યો સારી થઈ તે દિવસથી લોકો કોરટનું તો નામ જ ભુલી ગયા છે, તો હવે વકીલ શું કરવો?

હ.: હું તમને રસ્તો દેખાડીશ.

ભી.: આંખ્યો ઉધડી એટલે સારો રસ્તો એની મેળે સુજશે. દેખાડનારનું શું કામ છે?

હ.: હું તમારી દેવી આગળ નિરંતર નૃત્ય કરીશ પૈસાવાળાની શોભા છે કે સારા નૃત્ય કરનાર રાખવા.

ભી.: સારૂં ત્યારે એમ જ કરજો. પણ હમણાં તો અમારે રસોઈ કરનાર કોઈ નથી. વાસ્તે રસોઈયા બનો તો ઠીક.