આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૧૬ ]


સંઘદ્વારા હિંદીઓને રાષ્ટ્રીય શિક્ષણ પૂરું પાડવાનું અને તબીબી તથા અન્ય રાહત પહોંચાડવાનું કાર્ય આઝાદ હિંદ સરકાર કરતી હતી. હિંદુસ્તાનીઓને જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે રક્ષણની અને ખાસ તો ગુંડાગીરી સામેના રક્ષણની, જરૂર પડે ત્યારે એ પૂરું પાડવાની સૂચના સરકારે આ૦ હિં૦ ફો૦ને આપી હતી.

૧૯૪૩ની ૩જી માર્ચ ૧૯૪૪ના ફેબ્રુઆરી સુધી હું સિંગાપુરમાં હતો. આઝાદ હિંદની કામચલાઉ સરકાર પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા ઉપર પોતાના સભ્યોની સહી લેવાનું કાર્ય હિંદી સ્વાતંત્ર્ય સંઘની મલાયામાંની શાખાએાએ ૧૯૪૩ના ડીસેંબરમાં શરૂ કર્યું.

સંઘની મલાયાની શાખા તરફથી નિયમિતપણે એક માસિક પત્રિકા બહાર પાડવામાં આવતી હતી. ૧૬મી ડિસેંબર ૧૯૪૩ના એના અંકમાં સંઘની શાખાઓ માટે નીચે મુજબની સૂચનાઓ આપેલી હતી.

“પૂર્વ એશિયામાંના હિંદીઓ આજે હવે એક પરદેશી સત્તાના તાબેદારો નથી રહ્યા. એ તો આઝાદ હિંદની કામચલાઉ સરકારના ગર્વિષ્ઠ નાગરિકો છે.

મલાયામાંના બીજા હિંદીઓને આ વાત બરાબર સમજાવવા માટે અને પોતાના નવા સ્થાપનની જવાબદારીઓનું આપણા દેશભાઈઓને પૂરું ભાન કરાવવા માટે, આઝાદ હિંદની કામચલાઉ સરકાર પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા ઉપર સહી કરવાનું હિંદી સ્વાતંત્ર્ય સંઘના દરેક સભ્યને કહેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વિષેની વિગતવાર સુચનાઓ અને પ્રતિજ્ઞાનો મુસદ્દો શાખાઓને મોકલાઈ ચૂક્યાં છે.

પ્રતિજ્ઞા લેતી વખતે, દરેક સભ્યને વફાદારીની પ્રતિજ્ઞાનું એક કાર્ડ આપવામાં આવશે અને હિંદી સ્વાતંત્ર્ય સંઘના સભ્યપદનું તેનું કાર્ડ એ પ્રતિજ્ઞા લેવડાવનાર અમલદાર પાછું લઈ લેશે.