આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૧૮ ]

માટેની એક તાલીમશાળા સિંગાપુરમાં હતી. નેતાજી સિંગાપુર આવ્યા પછી થોડા મહિનામાં એ શાળાની સ્થાપના કરવામાં આવેલી.

સ૦ – નીપોન સરકાર અને આઝાદ હિંદની કામચલાઉ સરકાર વચ્ચેના સંબંધો કેવા હતા ?

જ૦ - સમાનતાને ધોરણે વ્યવહાર રાખતાં બે સાથીરાજ્યો વચ્ચેના એ સંબંધો હતા.......૧૯૪૪ના એપ્રિલથી ૧૯૪૫ના એપ્રિલ સુધી હું શ્રી સુભાઝચંદ્ર બોઝના બંગલામાં રહ્યો હતો.

સ૦ - જાપાનીસ સરકાર અને આઝાદ હિંદની કામચલાઉ સરકાર વચ્ચેના એના કોઈ મતભેદની વિગતે તમે આપી શકશો કે જેમાં કામચલાઉ સરકારે પોતાનો મત સાચો ઠરાવ્યો હોય ?

જ૦ - કામચલાઉ સરકારે જ્યારે પોતાનો મત સાચો ઠરાવ્યો હતો એવા મારી જાણના બે કે ત્રણ પ્રસંગો તો મને યાદ છે. ૧૯૪૪ માર્ચમાં શ્રી સુભાષચંદ્ર બોઝ અને કેટલાક જાપાનીસ અફસરોની જેમાં હાજરી હતી એવી એક પરિષદ મળેલી. એમાં હું પણ હાજર હતો. હિંદની ધરતી ઉપરની લડાઈનું સંચાલન કરવા માટે એક યુદ્ધ સમિતિની સ્થાપના અંગેની ચર્ચાએ ત્યાં થતી હતી. જાપાનીઓની એવી માગણી હતી કે એ સમિતિના પ્રમુખપદે કોઈ જાપાનીને મૂકવો, અને પોતાના એ દાવાના ટેકામાં એમણે દલીલો કરી. નેતાજીએ એ સૂચનાનો સામનો કર્યો અને તેમ કરવાનાં પોતાનાં કારણો દર્શાવ્યાં.

જાપાનીએાની દલીલ એ હતી કે પ્રમુખપદે જાપાની હોય તે સગવડતાને ખાતર જરૂરી છે. નેતાજી તે સિદ્ધાંત ઉપર ઊભા રહ્યા. અને એમણે કહ્યું કે જેમાં હિંદનું અખંડત્વ, સાર્વભૌમત્વ, કે સ્વાતંત્ર્ય જરા પણ ઓછું થાય એવી કાઈ પણ વાત એ સ્વીકારી શકે નહિ. એમની સામી દલીલ એ હતી કે કાં તો કોઈ હિંદી એનો પ્રમુખ બને અથવા તો પછી સમિતિ પ્રમુખ વિનાની જ રહે, અને તેના હિંદી તેમજ જાપાની સભ્યોનો દરજ્જો સમાન રહે.