આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આઝાદ સરકારના વહીવટની વધુ વિગતો

તે પછીના સાક્ષી આઝાદ હિંદ બેંકર ડીરેક્ટરોમાંના એક શ્રી દીનાનાથે જણાવ્યું કે -

રંગુનમાં હું દસ વરસ રહ્યો છું, ઈમારતી લાકડાંનો વેપાર કરુ છું અને ઇજનેરી કોંટ્રાક્ટો લઉં છું. જાપાનીએાએ લડાઇ જાહેર કરી ત્યારે હું રંગુનમાં હતો. ૧૯૪૧ની ૨૦મી ડિસેમ્બરે જાપાનીઓએ મલાયાનો કબજો લેવા માંડ્યો અને ૨૩મી ડિસેમ્બરે રંગુન ઉપર બેાંબમારો કર્યો.

સ૦- જાપાનીસ બેાંબમારા વખતે રંગુનમાં શી પરિસ્થિતી હતી?

જ૦- ભારે નાસભાગ થઇ રહી હતી. રંગુનમાં હિંદીઓને લૂંટવાનું અને એમનાં ખૂન કરવાનું ચાલતું હતું. જાપાનીઓ રંગુનમાં દાખલ થયા ત્યારે હું મોગામાં હતો. હિંદી સ્વાતંત્ર્ય સંઘની અને તેની રંગુન–શાખાની સ્થાપનાની મને જાણ હતી. આઝાદ હિન્દ બેંકના ડીરેક્ટરોમાંને હું એક હતો. બીજા ડીરેક્ટરો હતા શ્રી અય્યર (પ્રમુખ), શ્રી રશીદ, શ્રી બેટાઈ, શ્રી માધા અને કર્નલ આલાગા ખાન.

બરમા અને મલાયામાંના હિંદીઓ તરફથી કામચલાઉ સરકારને ફાળા આપવામાં આવતા હતા. એક નેતાજી ફાળા સમિતિ પણ હતી. એનું કાર્ય કામચલાઉ સરકાર માટે પ્રજા પાસેથી ઉઘરાણું કરવાનું હતું. ઉઘરાણાંમાં રોકડ અને ચીજ વસ્તુઓ આવતાં આ રીતે ભેગાં થયેલાં નાણાં આઝાદ હિન્દ બેંકમાં રખાતાં અથવા તો આઝાદ હિન્દ સરકારના નાણાંકીય-ખાતામાં રખાતાં.

સ૦– બરમામાં થયેલો કુલ ફાળો કેટલો હતો ?

જ૦- પંદર કરોડ રૂપિયા જેટલો.

સ૦– મલાયામાં કુલ કેટલો ફાળો થયેલો ?