આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૪૮ ]


આ દિશામાં પગલાં લેવાઈ પણ ચૂક્યાં છે. ગુનેગારોનો ઇન્સાફ તરત જ તોળવામાં આવશે.'

૧૮ મી જુલાઈએ એક જાહેરાત દ્વારા બર્લિન રેડીઓએ એનો જવાબ એમ આપ્યો કહેવાય છે:-

'લંડન રેડીઓએ બ્રોડકાસ્ટ કરેલી એક જાહેરાત મારફત ફ્રેંચ સામના-દળોને એક લડાયક સેનાનું કાયદેસરનું સ્વરૂપ આપવાનો સેનાપતિ આઈઝનહોવરે પ્રયાસ કર્યો ને. વિલ્હેલ્મસ્ટ્રાસ્સ ( જર્મન સરકારની વડી કચેરી )માંથી જવાબદાર મંડળેાએ તેના જવાબમાં આ નિવેદન આપ્યું છે: મિત્ર સેનાપતિએ કરેલો આ પ્રયાસ ગેરવાજબી છે. કાયદેસરની ફ્રેંચ હકૂમતની સામે ફ્રેંચ સામના દળ બળવો કરે છે અને આવા ગુનાં માટે મોતની સજા ઠરાવતા ફ્રેંચ કાયદાનો ભંગ કરે છે. ફ્રેંચ સામના-દળની પ્રવૃત્તિઓ એ રીતસરની લડાઈ નથી, પણ કબજો ધરાવતી સત્તા સામે હલકટ હુમલાખેરી છે. આ રીતે રીતસરના લશ્કરના અધિકારો સામના-દળે ગુમાવ્યા છે.'

બચાવ પક્ષના અગિયારમા સાક્ષી કૅ૦ અરસદે જણાવ્યું કે–

'સિંગાપુરના પતન પછી તમામ હિંદી અફસરો-સિપાહીઓને કર્નલ હંટે જાપાનીઓના હાથમાં સોંપી દીધા પછી મેજર ફ્યુજીવારાએ ભાષણ કરતાં કહેલું કે: સિંગાપુર અને મલાયામાં જાપાનીસ સેનાએ મિત્ર લશ્કરને હરાવ્યું છે અને હવે જાપાનીસ દળો બરમા તરફ આગળ વધી રહ્યાં છે. પૂર્વ એશિયામાંનાં તમામ રાષ્ટ્રો આઝાદ અને સ્વતંત્ર થાય એવી જાપાનીઓની ઇચ્છા છે. સ્વતંત્ર હિંદુસ્તાન વિના દૂર પૂર્વમાંનો સંયુક્ત-આબાદી-વિસ્તાર સલામત ન રહી શકે તેથી જાપાનીઓ હિંદને આઝાદ બનેલું જોવા માગે છે. તે સિવાય જાપાનીઓની હિંદ અંગે બીજી કોઈ મુરાદ નથી અને એ દિશામાં હિંદીઓને તમામ મદદ કરવા જાપાનીઓ તૈયાર છે. તમે બધા હિંદીઓ છો અને હિંદુસ્તાનની સ્વતંત્રતા માટે તમારે પણ કાર્ય કરવું જોઈએ.