આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[૨૨]

સમાચાર સાંપડે છે કે દુશમનની બે બેટેલિયનો સહિત ૧૨ ટેન્કો એમની ઉપર ચડાઇ લાવી રહી છે.

એપ્રિલ ૪ : સેહગલે ખબર મોકલ્યા કે મોટા ભાગના સિપાહીઓ ફોજ છોડી ભાગી ગયા છે, અને એમ લાગે છે કે ખેલ ખતમ થયો છે. એપ્રિલ ૫ : કિયાક પાડોંગ અને પોપાનું રક્ષણ સંભાળી લેવાનું ધિલન અને સેહગલને સોંપ્યું. એપ્રિલ ૭ : બચાવની હરોળોનો કબજો સંભાળી લેવાનો હુકમ ગુરૂબક્ષ અને સેહગલને કર્યો.

એપ્રિલ ૧૮ : અંગ્રેજોએ ટોંગવિંગીનો કબજો લઈ લીધો છે. જાપાનીઓ અને આ૦ હિં૦ ફો૦ વળતા હુમલા કરી રહ્યા છે. એપ્રિલ ૧૯ : માગ્વે પાસેની બચાવની હરોળો બ્રિટિશ ટેન્કોએ તોડી પાડી છે અને વ્યવસ્થિત સામનો મુદ્દલેય થઈ શકે તેમ નથી.

મે ૪ : 'એક નાના ઝૂંપડામાં દિવસ ગાળ્યો. આખો દિવસ વરસાદ વરસતો હતો. અમને રઝળતા મૂકીને જાપાનીઓ ભાગી નીકળ્યા છે. તેઓ પોતે નાસી રહ્યા છે અને અમારી કાંઈ ફિકર કરતા નથી.” મે પ: જાપાનીઓને આ૦ હિં૦ ફો૦ ની હવે વધુ કાંઈ જરૂર રહી નથી. એ બે વચ્ચેના સંપર્ક ખાતામાંથી પોતાના અમલદારોને એમણે પ્રોમ શહેરમાંથી પાછા તેડાવી લીધા છે. ફોજનાં શિસ્ત અને જુસ્સો બગડતાં જાય છે.

કોઈનો કાંઈ કાબૂ રહ્યો નથી અને સિપાહીઓને છોડી છોડીને અફસરો જતા રહે છે.

મે ૧૩ : બ્રિટિશ દળો વિશેની પૂરી માહિતી મેળવી. મને લાગે છે કે અમે સંપૂર્ણપણે વિખુટા પડી ગયા છીએ. છટકવાનો કોઈ માર્ગ નથી. સાંજના સાત વાગે ગામ છોડીને જંગલમાં ગયા. ત્યાં સિપાહીઓને મેં બધી જ વિગતો જણાવી. બહુમતીએ નક્કી કર્યું કે યુદ્ધકેદી બની જવું, પણ હજી હું શરણે જવા તૈયાર નથી. બરમાના જંગલોમાં થોડો વધુ રઝળપાટ મને વધુ ગમશે.