આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૩ ]


આપવામાં આવી અને તેના જવાબ મંગાયા. તેઓ આ૦ હિં૦ ફો૦ માં ચાલુ રહેવા માગતા હતા કે નહિ તે જાણવા માટેના આ સવાલો હતા. મેં કહ્યું કે હું રહેવા તૈયાર નહોતો. તે પછી તરતમાં કેટલાક અફસરોને વ્યક્તિગત રીતે રાશબિહારી બોઝે તેડાવ્યા. મારો વારો આવ્યો ત્યારે મે જોયું કે મારો જવાબપત્ર એમની સામે જ પડ્યો હતો. હું મારા નિર્ણયને વળગી રહું છું કે કેમ તે એમણે મને પૂછ્યું. મેં કહ્યું હું મારો નિર્ણય બદલવા માગતો નથી. અને આ૦ હિં૦ ફો૦માં રહેવા માગતો નથી. રાશબિહારી બોઝને હું મળ્યો તે અગાઉ સૌ અફસરોને ૧૯૪૩ના ફેબ્રુઆરીની ૧૩મી તારીખવાળું એક ચોપાનિયું પહોંચાડાયું હતું. એના લખનારા હતા રાશબિહારી બોઝ, હિંદી સ્વાતંત્રય સંઘની કાર્યવાહક સમિતિના પ્રમુખ.

જજ-એડવોકેટે આ ચોપાનિયું વાંચી સંભળાવ્યું. એમાં રાશબિહારી બોઝે કહ્યું હતું કે:

“મારી પાઠવેલી પ્રશ્નાવલિના અફસરોએ આપેલા ઉત્તરોનો મેં ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો છે. હું જાણું છું કે માતૃભૂમિને મુક્ત કરવા લડવા માટે લગભગ તમામ અફસરો તૈયાર છે, પણ મને દુ:ખ થાય છે કે આ૦ હિં૦ ફો૦ માં રહેવા સૌ તૈયાર નથી. આવા અફસરોમાં એવાનો સમાવેશ થાય છે કે જે અંગ્રેજો સામે હથિયાર ઉઠાવતાં ડરે છે, જેમને હિંદી રાષ્ટ્રીય મહાસભામાં પૂરો વિશ્વાસ નથી, જેઓ હિંદુસ્તાન માટે સાંસ્થાનિક દરજજામાં માને છે અને જેઓ અત્યારની પરિસ્થિતિમાં આ૦ હિં૦ ફો૦ માં રહેવા માગતા નથી. યુદ્ધકેદીઓ જો આવા વિચાર દર્શાવે તો તે સમજી શકાય. પણ આ૦ હિં૦ ફો૦ના અફસરોએ એ દર્શાવ્યા છે તેથી સાંસ્થાનિક દરજજો મેળવવા માટે નહિ પણ હિંદના સંપૂર્ણ સ્વાતંત્ર્ય કાજે લડવા માટેની જે ચળવળ છે તેમાં જોડાવાતા આ અફસરોના શા હેતુ હતા તેને