આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫૩ ]



: ૪ :

૨૨ મી નવેંબર : ગુરુવાર

ફરિયાદપક્ષના બીજા સાક્ષી કૅ. ઘરગાલકરની જુબાની આજે શરૂ થઈ. સરકારી વકીલના સવાલોના જવાબ દરમિયાન તેમણે જણાવ્યું કે–

'૧૯૩૧ માં હું હિંદી લશ્કરમાં જોડાયેલો. મલાયાની લડાઈમાં મેં ભાગ લીધો છે. ૧૯૪૨ ની ૧૬ મી ફેબ્રુઆરીએ સિંગાપુરમાં અંગ્રેજો જાપાનીઓને શરણે થઈ ગયા ત્યારે હું ત્યાં હતો. અા૦ હિં૦ ફો૦ સાથે અગાઉ મારે કાંઈ સંબંધ નહોતો. મારી રેજિમેન્ટના અને બીજા માણસોને આ૦ હિં૦ ફો૦માં જોડાતા રોકવા મેં પ્રયત્નો કરેલા બીજા હજારેક યુદ્ધકેદીઓની સાથે મને થાઈલેંડમાં મજૂરી કરવા મોકલેલો.'

સરકારી વકીલ : એ છાવણીમાં તમને કેટલા દિવસ રાખવામાં આવેલા ?

સાક્ષી : ૮૮ દિવસ સુધી.

સ૦ વ૦ : ત્યાં તમારી સાથે કેવું વર્તન રાખવામાં આવતું હતું ?

ભુલાભાઈ : એ વાતને આરોપીઓ સાથે કોઈ સંબંધ છે. ખરો ? એમાં જો કોઈ ફરિયાદ હોય તો એ જાપાનીઓ સામે છે.

આથી સરકારી વકીલે સવાલ આગળ પૂછવાનું માંડી વાળ્યું. તે પછી યુદ્ધકેદીઓની છાવણીમાંની પરિસ્થિતિ વિષે એમણે સંખ્યાબંધ સવાલો પૂછ્યા. જવાબમાં સાક્ષીએ છાવણીના નાયક શીંગારાસીંઘ અને ફત્તેહખાન ઉપર આક્ષેપો કર્યો. શીંગારાસીંધ અને ફત્તેહખાન ઉપર ચાલતા બીજા એક ખટલામાં શ્રી અસફઅલી એમના વકીલ હેાવાથી એની સામે એમણે વાંધો ઉઠાવ્યો કે એ અફસરો સામે આ અદાલતમાં આક્ષેપો કરીને તેમની સામેના ખટલામાં પૂર્વગ્રહો ઊભા કરવા એ ઘણું અયોગ્ય છે. અદાલતે દસ મિનિટ સુધી ખાનગીમાં મંત્રણા કરીને જાહેર કર્યું કે એ બે અફસરોના નામ લેવાવાં ન જોઈએ.

આગળ ચાલતાં સાક્ષીએ કહ્યું કે, 'શાહનવાઝ અને સેહગલ એ છાવણીમાં આવતા હતા તે મને યાદ છે. એ બેઉ અફસરોને હું એાળખું છું.'