આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
લીલુડી ધરતી
 

 કાબરી એની માને આંચળે ઘટક ઘટક ધાવતી એ દૃશ્ય તો હરખના માતૃહૃદયમાં હમેશને માટે અંકિત થઈ ગયું હતું. સંતુનો પ્રસવ કરાવનાર વખતી દાયણે અને કાબરીની માવજત કરનાર ધનિયા ગોવાળે ગમાણમાં ઊભેઊભે જ એકસાથે ટકોર કરેલી : ‘ટીહાના ઘરમાં તો એકને માટે બે જીવ વધ્યા–’ અને એ ઉક્તિ હરખે આટલાં વર્ષ સુધી સાચી પાડી હતી. સંતુને અને કાબરીને બન્નેને એણે પોતાનો જ પ્રાણપ્રવાહ ગણ્યો હતો. બનેનાં જીવન વહેણ એકબીજાંથી અવિચ્છિન્ન હતાં.

તેથી જ તો, સંતુએ જ્યારે વિદાયને દિવસે આભલાંમઢ્યાં હીરભરતનાં પહેરણું –કમખો પહેર્યાં ત્યારે હરખને થયું કે હું મારી બીજી દીકરી કાબરીને વળામણા ટાણે શું પહેરાવીશ ?... હરખ મનમાં વિચારી રહી : અરેરે, કાબરી ! તું વાછડીને બદલે વાછડો હોત તા તારી શિંગડીએ રંગીત મોરપોપટ ભરીને પહેરાવત. તારે ડિલે આભલાવાળી ઝુલ ઓઢાડત... પણ તું તો વાછડાને બદલે વાછડી... તારો તો સ્ત્રીનો અવતાર... તારે અંગઢાંકણ કાંઈ જ ન જડે... અસ્ત્રીજાતની આબરૂ ઉઘાડી... હાલતાં એબ આવી પડે ને કપાળે કલંક ચોંટતાં વાર નો લાગે... કંકુની પૂતળી જેવી સંતુને હમણાં જ ગામના ગરાસિયાવને હાથે કાજળ જેવું કલંક લાગતું લાગતું રહી ગયું... કાબરી ! તને હું શું પહેરાવું ?...

હરખને એક તુક્કો સૂઝ્યો, પ્રસંગને ઉચિત ગણાય એવો રસ્તો સૂઝ્યો. રામપરડેથી પોતાની જોડે મોટી કાબરી આવેલી ત્યારે એની ડોકે પિત્તળની મોટી બધી ટોકરી હતી. ગાયના મૃત્યુ પછી એ આભૂષણ ઉતારી લેવામાં આવેલું અને પટારામાં એક સ્થળે સાચવીને મૂકી રખાયેલું. ‘ચાલ, એ ટોકરી જ કાબરીની ડોકે બાંધી દઉં. માતાનું આભૂષણ એની પુત્રીને જ પહેરાવી દઉં...’

હરખે પટારો ઉઘાડ્યો ને પિત્તળની ઝાંખી પડી ગયેલી ટોકરી બહાર કાઢી. અને ટીહાએ ફળિયામાં જઈને કાબરીની ડોકે એ