આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
લીલુડી ધરતી
 

 ‘ભઈ કેટલાં છોકરાં છે ઈ તો ગિધિયાને ય કદાચ યાદ નહિ હોય ! ગિધિયો તો રૂપિયા ગણી જાણે...’

પ્રથમ મિલનરાત્રીએ જ સંતાનો અને પ્રેમની બાબતમાં એક દંપતીનું આવું ક્રૂર વલણ વગેરે જાણીને સંતુ વ્યગ્ર બની ગઈ. નેપથ્યમાં ગિધા-ઝમકુએ ભજવેલા નાટકને પરિણામે સંતુના હૃદયમાં દામ્પત્ય અને સંતાન અંગેની ઘણી ઘણી ગુલાબી ખ્યાલાતો ખતમ થઈ ગઈ.

‘હે માડી !... વોય વોય રે !’ થોડી થોડી વારે કણસતી ઝમકુનો વોયકારો આ નવદંપતીને એમની તંદ્રામાં પણ સંભળાતો હતો.

માંડ માંડ માંડણિયાની મોંકાણ ભૂલીને પતિપત્ની જરાક જંપ્યાં હશે ત્યાં તો ભલભલા ઊંઘણસીની ઊંઘ ઉડાડી દે એવી ચીસ ઝમકુએ પાડી :

‘વખતીને બરકો ઝટ, વખતી સુયાણીને... હું મરી જાઉં છું...’

‘વખતીની સગલી, મૂંગી મૂંગી મરી રે’, નીકર આ અધમણિયો મેલીશ તો માથું રંગાઈ જાશે....’ કહીને ગિધો તો હિસાબખિતાબમાં પરોવાઈ ગયો.

સંવાદ સાંભળીને સંતુ વધારે વ્યગ્ર બની ગઈ. કોણ જાણે કેમ, પણ એની નજર સામે ભાવિ જીવનનાં કેટલાંક વરવાં દૃશ્યો તરવરવા લાગ્યાં. ઓચિંતું જ એણે ગોબરને કહ્યું :

‘ભગવાન તમને ભલી મત્ય આપે તો માંડણિયાનો તમે જરા ય વશવા કરશો મા, હો !’

‘અરે, એનું નામ બાળ્ય ને ! અટાણે એને શું કામ સંભારશ ?’

‘ન સંભારું તો ય સાંભરી આવે છે. ઈને રોયાને શાદૂળિયે સાધી લીધો છે; માથેથી રઘલા મા’રાજની ચડામણી છે. હંધાય ઉપર રહીને કાટલું કઢાવી નાખે ઈ માંયલા છે.’

‘તું તો સાવ બકરી જેવી બીકણ જ રહી !’