આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂટતી કડી
૧૨૭
 

 બનાવટી નામો ધારણ કરીને એક માલમના મછવામાં ચડી બેઠેલાં. લોક્વાયકા તો એવી હતી કે રઘો અને અમથી પોતાની જોડે મબલખ સોનું લઈને નાસેલાં. રઘા પાસે તો લોટ માગવાની તાંબડી સિવાય બીજી કશી માલમિલકત હતી નહિ, ને અમથીનો વર વેલજી સુથાર તો રતાંધળો હોવાથી વરસો થયાં કશું જ કમાતો નહિ. એમાં પડોસીઓ કહેતાં તેમ, ‘અમથીના ઘરમાં તો ટંકે ટંકના ફાંફાં હતાં !’ તો પછી એ ‘સૂંડલો એક સોનું’ સાથે બાંધ્યું ક્યાંથી ? આ પ્રશ્નના જ ખુલાસારૂપે એક અનુમાન કરવામાં આવતું કે બન્ને ભાગેડુઓને કોઈક મોટી આસામીની એાથ મળી ગયેલી. બલકે એ કોઈક ત્રાહિત માણસે જ એમને મબલખ મદદ કરીને ગુંદાસરની સીમ છોડાવેલી; એટલું જ નહિ, એ લોકો દેશનો કાંઠો પણ છોડી જાય છે એની પાકી ખાતરી કરવા પેલો મછવો આફ્રિકા જવા છૂટ્યો ત્યાં સુધી એમના પર ગુપ્ત નજર પણ રાખવામાં આવેલી... પછી તો સમયની રફતારમાં એ ‘વેલકા સુતારની અમથી’ વિસ્મૃત થઈ ગયેલી પણ રઘાના સ્મૃતિપટ પરથી એ વરવી ઘટના થોડી ભૂંસાઈ શકે એમ હતી ? ૨ઘો જાણતો હતો કે અત્યારે માંડણી પછવાડે બેસીને ચોપાનિયું વાંચી રહેલો જેરામ મિસ્ત્રી પેલા વેલજી સુથારનો દૂરદૂરનો છતાં ‘એકવી દિ’નું સૂતક લાગે એટલો નજીકનો કુટુમ્બી થતો હતો. એ જાણભેદુ કને અમથી–પ્રકરણની થોડીઘણી પણ જાણકારી હોવાનો સંભવ છે જ. અને તેથી જ આટલે વરસે, રહી રહીને એ જુના જોડાનો ડંખ રઘાને વેદના ઉપજાવી રહ્યો હતો ને !

‘મારાં હાળાંવ છોડિયાંવના ઉપાડા તો જુઓ, ઉપાડા !’ રઘાના અંતરવલોણાએ વળી પાછો આપમેળે જ ઊભરો ઠાલવ્યો : ‘વાંહલો ને વીધાણું મેલીને ચોપાનિયાં વાંચતાં થયાં છે !’

‘મારાજ ! જરાક મોઢું સંભાળીને બોલજો !’ માંડણી પછવાડેથી ચેતવણી ઉચ્ચારાઈ : ‘બવ બોલશો તો કોઈની સારાવાટ