આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂટતી કડી
૧૩૧
 

 રેકર્ડ વગાડવા પ્રવૃત્ત થઈ ગયો એ કોઈને સમજાયું નહિ.

છનિયાએ વાજાની ચાવી ઘૂમળઘૂમળ ફેરવવા માંડી એટલે થોડી વારે રઘાએ એને વાર્યો.

‘હવે હાંઉ કર્ય, આ કાંઈ શેરડી પીલવાનો ચીચોડો નથી. કમાન તોડી નાખીશ તો રૂપિયા આઠની ઊઠશે !’

અને પછી કઈ રેકર્ડ વગાડવી એ અંગે પણ એણે છનિયાને જ સૂચના આપી :

‘ઓલી જાંબલી રંગવાળી મેલ્ય–’

‘રસીલાં પ્રેમીનાં હૈડાં મેલવી છે ?’

‘ના ના, રસીલાંની સગી. તેડું થયું વાળી વગાડ્ય–’

છનિયાએ રેકર્ડ ઉપર સાઉન્ડ બોક્સ મૂક્યું અને ઘસાઈ ગયેલી પિન વડે ઘોઘરો અવાજ ગાજી રહ્યો :

‘તેડું થયું કિરતારનું...
માન્યા વિના કેમ ચાલશે ?’

ઘડી વાર પહેલાની વઢવાડને સ્થાને હૉટેલમાં વૈરાગ્યનું વાતાવરણ જામી ગયું. રઘાની ગમગીન મનોદશા માટે આ ગીત બહુ અનુકૂળ હતું. રેકર્ડ વાગતી હતી પણ એના શબ્દો સાંભળતા નહોતા. ગીતની પરિચિત તરજ જ જાણે કે શાતા અર્પતી હતી. એના મનમાં તો અત્યારે પેલી ‘ખૂટતી કડી’ની જાણે કે ખરલ ઘુંટાઈ રહી હતી.

બનાવટી નામ ધારણ કરીને આફ્રિકાને કાંઠે ઊતર્યા પછી રઘાએ અને અમથીયે શા શા ગોરખધંધાઓ કરેલા, એ અંગે તો અસમારા, મોમ્બાસા, મસ્વા, ઝીંઝા વગેરે શહેરોમાંથી આવનારા કાઠિયાવાડી વેપારીઓ તો કાંઈ કિસમકિસમની વાતો કરતા. કહેવાતું કે રઘો તો અનેક વાર આફ્રિકામાં લાંબી લાંબી મુદતની જેલ ભોગવી આવેલો. પોતાના વતનમાંથી ભેદી કારણોસર વિદેશમાં જઈ વસનાર આ માણસને આખરે વિદેશમાંથી પણ તડીપાર થઈને ફરી પાછા