આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
લીલુડી ધરતી
 

 સ્વદેશ આવવું પડેલું. કહેવાતું કે રઘો તો આંતરરાષ્ટ્રીય દાણચોરી કરનારી ટોળકીમાં ભળી ગયેલો. મધદરિયે ચાંચિયાગિરી પણ કરતો. ગુંદાસરમાં એક રોમાંચક વાયકા તો એવી હતી કે વિદેશની વિવિધ સરકારોએ મળીને રઘાના માથા માટે લાખેક પૌંડનું ઈનામ પણ જાહેર કરેલું, એની આ બહુરંગી જીવનલીલા દરમિયાન અમથી સુથારણનું શું થયેલું એ અંગે તો કશું જ જાણવા મળેલું નહિ. રઘો ગુંદાસર પાછા ફર્યો એ અરસામાં કોઈ પૃચ્છકો આ બાબતની બહુ ઇંતેજારી દાખવતા ત્યારે રઘાને મોઢેથી માત્ર એટલું જ સાંભળવા મળતું કે અમથી તો આફિકાને કાંઠે ઊતરી કે તરત જ એને ત્યાંનાં જંગલોમાં થતો ઝેરી તાવ લાગુ પડેલો અને એમાં એ પિલાઈ પિલાઈને મરી ગયેલી. આ વિધાનમાં કોઈને શંકાને સ્થાન જ ન રહે એ ખાતર, ને ગામના કૂથલીખોર લોકોને કાયમ માટે મૂંગાં કરી દેવાના ઉદ્દેશથી રઘાએ મૃત પત્ની પાછળ ગુંદાસરમાં ‘ગોરણી’ પણ જમાડી દીધેલી.

‘તેડું થયું’ની એ તાવડી પૂરી વાગી રહી કે તુરત જ, આંખો ઢાળીને અંતર્મુખ બની બેઠેલા રઘાએ ઢળેલી આંખે જ છનિયાને હુકમ દીધો : ‘ફરીથી મેલ્ય !’

ફરી એનું એ જ ગીત સંભળાતું રહ્યું ને રઘો પોતાના અતીતના સંક્રમણે ચડી ગયો.

સારી વાર પછી એને કાને અવાજ અથડાયો : ‘રઘાભાઈ !’ અને એ વિચારતન્દ્રામાંથી ઝબકીને જાગ્યો. જોયું તો હૉટેલના ઉંબરા પાસે કમ્મરમાંથી લગભગ બેવડ વળી ગયેલો એક ડોસો ધ્રૂજતી લાકડીને ટેકે માંડ માંડ સમતોલ ઊભો હતો.

‘કોણ ! પંચાણબાપા ?’ રઘાએ પૂછ્યું.

આવનાર માણસ જીવા ખવાસનો બાપ હતો અને ઉંમરમાં એટલો વૃદ્ધ હતો કે રઘો પણ એને બાપા કહીને સંબોધી રહ્યો.

‘શું કામ પડ્યું ડોહા ?’ રઘાએ પૂછ્યું. ‘કાંકરી-બાંકરી ખૂટી ?’