આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૃત્યુનું જીવન
 

ગારમાટીનાં ખોરડાં ઉપર શવા કુંભારે ગામને જ નિભાડે પકવેલાં દેશી નળિયાં પથરાયાં હતાં, એમાં આ સ્મશાનનાં કોરુગેટેડ પતરાં બહુ કઢંગા લાગતાં હતાં. પણ એની પાછળ નાનો સરખો ઇતિહાસ હતો. દાયકાઓથી અહીં ઓઝતને કાંઠે એક ખુલ્લા ઓટલા ઉપર મૃતદેહોની અંત્યેષ્ટી ક્રિયા થતી. એવામાં મુંબઈના એક વેપારી અહીં સતીમાના થાનક સમક્ષ કશીક બાધાઆખડી છોડવા આવેલા અને એ દરમિમાન, ભરચોમાસે, અકસ્માત એમનાં પત્નીનું અવસાન થયેલું. એ દિવસોમાં ગુંદાસર ઉપર બારે ય મેઘ ખાંગા થયા હતા; આઠ આઠ દિવસથી વરસાદની હેલી હતી. પેલાં શેઠાણીના શબને ત્રણ દિવસ સુધી અગ્નિદાહ દઈ શકાયો નહિ, એથી શેઠને બેવડો આઘાત લાગ્યો. એમણે ગામની આ અગવડ ટાળવા તથા મૃત પત્નીનું સ્મરણ જાળવવા માટે છેક મુંબઈથી સાધનસરંજામ મંગાવીને સ્મશાનના ખુલ્લા ઓટલા ઉપર આ છાપરી બંધાવેલી. મડદાંની દેહ પ્રગટે ને એમાં અધઅધ ખાંડી લાકડાં ઓરાય ત્યારે એની અગનજ્વાળા કોઈ કોઈ વાર તો ઊંચી છાપરીને આંબી જતી. વરસોથી આવા અગનતાપ ઝીલી ઝીલીને હવે તો આ છાપરી પણ જીર્ણશીર્ણ થવા આવી હતી, પણ એનો જીર્ણોદ્ધાર કરાવે એવો સુખી ગૃહસ્થ ગુંદાસરને હજી સાંપડ્યો નહોતો.

જીર્ણોદ્ધાર માગતું આવું જ એક બીજું સ્થાપત્ય હતું ભૂતેશ્વરના શિવાલયનું. નદીને ઓવારે ઊભેલા શિવાલયની જોડે જમીન પણ સંકળાયેલી હતી તેથી લોકો એને ‘ભૂતેશ્વરની વાડી’ તરીકે ઓળખતા. આ સ્થાનક તથા વાડીની જમીન ઉપર આજે ઈશ્વરગિરિ નામના એક અતીત વારસાહક ભોગવતા હતા. તેઓ સઘળા શિવનિર્માલ્ય ચોખાસોપારી ઉપર અબાધિત અધિકાર ધરાવતા હતા, પણ દાયકાઓથી લૂણો ખાઈ ખાઈને જર્જરિત થઈ ગયેલા દેવાલયમાં જીર્ણોદ્ધાર માટે તો ભેળાનાથ તો કોઈ ભાવિક ભગતની