આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંસુની આપવીતી
૧૪૩
 

 એના જીવને જંપ વળે એમ નહોતો. એમણે આખરે સઘળી હિંમત એકઠી કરીને પૂછી જ નાખ્યું :

‘અમથી મરી પરવારી છે ?’

‘હા...ના..હા...ના...ના...’ રઘો બોલતાં થોથવાઈ ગયો. ભલભલા ચમ્મરબંધીને ય ભૂ પાઈ દેનારો આ માણસ ઠકરાણીના જાજરમાન વ્યક્તિત્વ સમક્ષ જૂઠ્ઠું ન બોલી શક્યો.

‘જેવું હોય એવું બોલી નાખજે.’ સમજુબાએ આદેશ આપ્યો.

‘હવે શું કામે સંભારો છો એને ? ઈ તો વા વાળ્યા, ને દા’ ગાળ્યા—’

‘ના, દા’ ગાળ્યા નથી હજી.’ ઠકરાણાં બોલ્યાં. ‘હવે જ સાચો દા’ લાગવાનો ભો છે. એવો દા’ લાગે કે મારું આખું જીવતર સળગી જાય. ખુમાણ કુળનું જડાબીટ નીકળી જાય... બોલી નાખ્ય, રઘા જેવું હોય એવું બોલી નાખ્ય. અમથી જીવે છે કે મરી ગઈ છે ?’

‘જીવે છે.’ રઘાએ નીચી મૂડીએ જવાબ દીધો.

‘જીવે છે ?’ સામેથી એ જ શબ્દોનો કરડાકીભર્યો પડઘો પડ્યો, ‘અમથી હજી જીવે છે ?’

રઘો મૂંગો રહ્યો.

સામેથી એનો એ જ પ્રશ્ન વિવિધ સ્વરૂપે ને ઉત્તરોત્તર વધારે ઉગ્રતાથી પૂછતો રહ્યો :

‘પેટના જણ્યાને પૈસા માટે વેચી નાખનારી ઈ નઘરોળ્ય હજી જીવે છે ?... તેં હજી લગણ એને જીવતી રે’વા દીધી છે ? એને આફ્રિકે લઈ ગ્યો તંયે દરબારની મોઢે તું શું કોલ દઈને ગ્યો’તો ? બોલ્ય, કેમ મૂંગો થઈ ગ્યો ?’

રઘા પાસે આ મૌનનું કારણ જ ક્યાં હતું ?

‘આટલાં વરહ અમને ઊઠાં જ ભણાવ્યાં ને ?’ કહીને ઠકરાણાંએ રઘાની જ એક ઉક્તિનું વ્યંગાત્મક પુનરુચ્ચારણ કરી