આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંસુની આપવીતી
૧૪૭
 

વધારે પડતું ચડી જતાં સાષ્ટાંગ દંડવત સ્થિતિમાં સુઈ ગયો હતો. જતી વેળા પણ રઘો એને ઉદ્દેશીને કહેતો ગયો :

‘ડોસા ! આવો જ ચોકીપહેરો કરતા રહેજો ડેલીનો !’.

 ***

સમજુબા સાથેની વાતચીત પછી સંક્ષુબ્ધ થઈ રહેલો રઘો હૉટેલના મેડા પર જઈને ખાટલામાં પડ્યો, પણ એને ઊંઘ ન આવી. વર્ષોથી શાંત પડેલાં સ્મૃતિઓનાં સ્તર આજે ઊખળી પડતાં આ ભેદી માણસ ભયંકર અસ્વસ્થતા અનુભવી રહ્યો. વર્ષોથી ભૂતકાળના પટારામાં ભંડારી રાખેલી અમથીની યાદ તાજી થતાં રઘાનું અંતર વલોવાઈ રહ્યું. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. સમજુબાની આંખમાં આંસુ જોઈને રઘાએ એમની સમક્ષ પોતાની અતીતની કિતાબ ખુલ્લી મૂકી દીધી હતી, એને પરિણામે ઠકરાણાંની આંખમાં આંસુ તો સુકાઈ શક્યાં, પણ હવે આ મર્દ માણસનો અશ્રુપ્રવાહ કોઈ રીતે અટકી શકે એમ નહોતો.

ગારદ કરી નાખવાના હીન ઉદ્દેશથી પોતાની સાથે લઈ જઈને પછી જેની જોડે પોતે ગુહસંસાર માંડેલો એ અમથી સુથારણ તો રઘાના જીવનમાંથી ક્યારની લુપ્ત થઈ ગઈ હતી. રઘાને અત્યારે જેની યાદ પજવી રહી હતી અને આંખમાંથી ચોધાર આંસુ વહાવી રહી હતી, એ તો એક ત્રીજા જ જીવની યાદ હતી. લોકલાજે ફરજિયાત વછોડેલા પોતાના જ એક પ્રાણપુદ્‌ગળની યાદ હતી.

ભીડેલાં કમાડ પર બહારથી સાંકળ ખખડી અને ‘દૂધ લેજો !’. ની બૂમ સંભળાઈ ત્યારે જ રઘાને ખ્યાલ આવ્યો કે અતીતની પરકમ્મા કરવામાં પરોઢ થઈ ગયું છે. પોતે ઝટઝટ મેડા પરથી નીચે આવવા નીસરણી પર પગ મુક્યો, ત્યાં તો બીજી બૂમ સંભળાઈઃ

'રઘાબાપા ! દૂધ લેજો, દૂ...ધ !’

તખુભાને ઓરડે શાદૂળને હાથે ગોળીએ વીંધાયેલી રૂપાં રબારણના પતિ વેજલ રબારીની એ બૂમ હતી.