આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અડદનું પૂતળું
૧૫૧
 

મન–શું વિચારીને ઊજમે ઠૂઠવો મૂકી દીધો.

સારું થયું કે ઘરના ઊંડાણમાં આવેલા રાંધણિયા સુધી એ ક્રન્દન પહેાંચી શકતું નહોતું, નહિતર સાંભળીને સંતુ બહાર દોડી આવી હોત તો ઊજમને હૈયાભાર હળવો કરવા માટે સાંપડેલું સરસ એકાંત ટળી ગયું હોત.

ઘર છોડી ગયેલા પતિને પાછો લાવવા માટે તો ઊજમે પોતાના ભાગ્યદેવતાને રીઝવવા કેટકેટલા પ્રયત્નો કર્યા હતા ? જપ–તપ, બાધા–આખડી, માનતાઓ અને સંકલ્પો, ગ્રહશાંતિ ને પ્રાયશ્ચિત્ત, કશું જ એણે બાકી રાખ્યું નહોતું. પતિના પુનરાગમનની આશાએ એ પથ્થર એટલા દેવ કરી ચૂકી હતી. દેવશીનું મોઢું જોયા વિના ઘી ન ખાવું એવી આકરી બાધાને આજ બાર બાર વર્ષથી ચૂસ્તપણે પાળતી આવી હતી. પતિ પાછો આવે ત્યારે પગે ચાલતાં ગિરનાર પર જવું અને અંબામાને સોનાનું છત્તર ચડાવ્યા પછી જ ધોળું અનાજ મોઢામાં મૂકવું એવી માનતા માની હતી.

રોજ સવારે ઊઠીને ઊજમ ઓતરાદી દિશામાં અંબામાની ટૂંક ભણી તાકી રહેતી. દેવશી કેમ જાણે એ ડુંગર પરથી જ ઊતરવાનો હોય એમ મુગ્ધ ઉત્સુકતાથી તાકી રહેતી. દયાર્દ્ર ચહેરે દેવીને વિનવી રહેતી : મા, હવે તો મારા ઉપર ત્રુઠમાન થાવ, મા ! આગલે ભવ મેં અભાગણીએ કેટલીક ગવતરિયુંની હત્યા કરી હશે તી આ ભવે મારે આવા વિજોગ વેઠવા પડે છે ? આગલે ભવ મેં ભૂંડીએ કેટલાંક વહાલાંમાં વિજોગ કરાવ્યા હશે, તો આ ભવે એનાં ફળ ભોગવવાં પડે છે ?

અને એક દબાયેલા ડૂસકા સાથે ઊજમે મણ એકનો નિસાસો મૂક્યો : અરેરે...અંબામા બચાડી આમાં શું કરે ? મેં જ અભાગણીએ આગલે ભવ પાપ કરવામાં પાછું ભાળીને નહિ જોયું હોય, કોણ જાણે કેટલી ય બ્રહ્મહત્યા કરી હશે, કેટલાં ય ગરીબનાં ગળાં લુહ્યાં હશે, ઘણાં ય રાંક માણસને રોવરાવ્યા હશે, આગલે