આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
લીલુડી ધરતી
 

રખડી રખડીને દેવશી મરી જ ગયો હશે તો આ બધી ક્રિયા એને પહોંચશે ને આત્માની ગતિ થશે. ને ઊજમના છોકરાનાં નસીબ જોર કરશે ને જાતે દિવસે એનું મોઢું જોવા માટે બાપ ઘેર પાછો આવશે, તો એનાથી રૂડું બીજું શું ?

કામેસરજીએ નહાઈ-ધોઈને રસોઈ માટે ફળિયા વચ્ચે ચોકો કર્યો ત્યાં તો ગામના નાતીલાઓને ખબર કરીને ગોબર આવી પહોંચ્યો. સંતુએ રાંધણિયામાંથી ચોર નજરે એની સામે જોયું તો ઊજમના હૃદયની સઘળી મૂંગી વેદના જાણે કે ગોબરના મુખ પર અંકિત થઈ ગઈ હોય એવું લાગ્યું. થોડા મહિના પહેલાં જ પરબતને અગ્નિદાહ દઈ ચૂકેલ ગોબર આજે જાણે બીજા એક બાંધવની અંત્યેષ્ટિક્રિયા કરી રહ્યો હોય એવી વ્યથા એની આંખો માંથી ઊભરાતી હતી.

‘ઘડો પાણી બાંધ્યું હોય તો ય ટીપું ય ટપકે નહિ એવો મજબૂત પાટિયા જેવો મુગટો લાવો !’ ગોરબાપાએ મહિના અગાઉથી જ સૂચવી રાખેલી સામગ્રીઓમાંની એકની માગણી કરી.

સાંભળીને ગોબર ઘરમાં પટારો ઉઘાડવા ગયો ત્યારે સંતુએ એને ધીમે સાદે ફરિયાદ કરી :

‘આ મા’રાજ તો મૂવો શરાધ કરાવવા આવે છે કે આપણને લૂંટવા ?’

ગોબરને અત્યારે કશો ઉત્તર આપવાનો અવકાશ જ ક્યાં હતો એના વ્યથિત હૃદયે આંખમાંથી એક આંસુ જ ખેરવ્યું.

બપોર ઢળતાં તો મુખી ભવાનદા અને નાતના અગ્રેસરો આવી પહોંચ્યા. ઉપ૨ગામડેથી ઊજમનાં માવતર પણ આવ્યાં. ઠુમરની ખડકી ઠાંસોઠાંસ ભરાઈ ગઈ. સંતુની ઢગની જેમ આ પ્રસંગે પણ માંડણિયો મોખરે થયો હોવાથી આજે ચિડાયેલી સંતુ વધારે ચિડાતી હતી. આવી વિલક્ષણ અંત્યેષ્ટિક્રિયામાં ગામનું સમસ્ત મહાજન હાજર રહ્યું. નથુ સોની અને ભૂધર મેરાઈ આવી