આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ તેરમું

વારસ


અંત્યેષ્ટિક્રિયા દેવશીની થઈ હતી, પણ એની ચોંટ જાણે કે ગોબરને લાગી હતી. આવો આઘાત તો એણે પરબતના મૃત્યુ પ્રસંગે પણ નહોતો અનુભવ્યો. દિવસો સુધી ગોબર દિગ્મૂઢ જેવો થઈને ફરતો રહ્યો એ જોઈને ઘરનાં માણસો તો ઠીક, પણ ગામલોકોને ય નવાઈ લાગતી હતી.

ઘરમાં ગોબર સૌથી નાનેરો હેવાથી સ્વાભાવિક રીતે જ લાડચાગમાં ઊછરેલો. જીવનનો કે મૃત્યુનો કશો જ અનુભવ એને નહોતો. એ અંગેનો સાચો ખ્યાલ પણ નહોતો. જીવન એને મન બિડાયેલી કિતાબ હતી, મૃત્યુ માત્ર કલ્પનાનો જ વિષય હતો. પણ જિંદગીની કિતાબનું હજી તો પહેલું પૃષ્ઠ ઊઘડે એ પહેલાં તો એને મૃત્યુનું સમાપન પ્રકરણ જોવા મળ્યું. મોટાભાઈ પરબતને જમણે અંગૂઠે એણે આગ ચાંપવી પડી. એ વરવી વાસ્તવિકતાની ભયંકર ચોટમાંથી એ હજી પૂરેપૂરો મુક્ત થાય એ પહેલાં તો અદૃશ્ય દેવશીની અંતિમ ક્રિયા આવી પડી. પરબતના મૃત્યુનો આઘાત તો થોડોઘણો સહ્ય હતો, કેમ કે એની અંતિમ ઘડીઓ ગોબરે નજરોનજર નિહાળી હતી. દેવશી માટે કરવી પડેલી અંતિમ ક્રિયા વધારે હૃદયદ્રાવક બની રહેલી, કારણ કે એના મૃત્યુની ઘટના ઇન્દ્રિયગમ્ય નહોતી. એ તો કેવળ કલ્પનાનો જ વિષય હતો અને તેથી જ તો એની યાદ ગોબરના અંતરને કોઈક ભયંકર દુ:સ્વપ્નની