આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
લીલુડી ધરતી
 

 અક્ષત રહેવો જોઈએ. આ કામ કેવળ બાહુબળનું નહોતું, બલકે કાચલી ભાંગે પણ કોપરું ન ભાંગે એ રીતે ઓછું બળ વાપરવાની જરૂર આ કસોટીમાં હતી, અને એ કસોટીમાં માંડણિયો નિષ્ફળ ગયો ને હાર્યો, ત્યારથી એની હાર બેઠી – અથવા તો, માંડણિયાના પોતાના જ શબ્દોમાં કહીએ તો, ‘બૂંધ બેઠી.’ એ હારતો જ ગયો, સતત હારતો ગયો. જીવતીનાં સોનાનાં ઠોળિયાં પેટે મળેલી રકમ તો બધી ગુમાવી બેઠો, પણ માથેથી ગિધાનું પચાસેક રૂપિયા જેટલું દેવું ચડી ગયું. હવે તો માંડણિયો ફરી વાર જીવતીને ઢોરમાર મારીને કાંઈક બીજુ ઘરેણું લાવે નહિ ને ગિધાની હાટે ગિરવે નહિ ત્યાં સુધી એને નવાં નાળિયેર ઉધાર આપવાની આ શાણા વેપારીએ સોઈઝાટકીને ના પાડી દીધી.

જીવતીના અંગ ઉપર તો હવે વાલની વાળી ય બાકી રહી નહોતી તેથી માંડણિયો નિમાણો થઈને બેઠો હતો. એવામાં ગામના પાદરમાં સાઇકલની ટોકરીઓ રણઝણી ઊઠી. થોડી વારમાં જોરદાર ડાયનેમો બત્તીના શેરડા ઝબક્યા. ચાર સાઇકલો ગિધાની દુકાને આવીને ઊભી રહી.

‘ઓહોહો ! દલસુખભાઈ ! કાંઈ બવ અસૂરા ?’ ગિધાએ આવનારાઓમાંના એક બાંકે બિહારી જેવા જુવાનને ઓળખી કાઢ્યો.

‘આખું અમરગઢ આંયાંકણે આવી પૂગ્યું ને શું !’

દલસુખ અમરગઢના એક નવા નવા શ્રીમંત બનેલ વેપારીનો ઉઠેલપાનિયો પુત્ર હતો. બોલ્યો :

‘રમવા આવ્યા છીએ. ક્યાં છે હાદા પટેલનો ગોબર ?’

‘ગોબર તો ઓણસાલ નાળિયેરને અડ્યો જ નથી—’

‘એમ કેમ ?’

‘ભગવાન જાણે.’ ગિધાએ કહ્યું, ‘પણ બીજા ઘણા ય છે ૨મવાવાળા...આ રિયો વલભ.’

દલસુખ ‘બાપ મૂવે બમણા’ના ભાવની હૂંડીઓ લખી આપનાર