આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લીલુડી ધરતી
 


ગરીબ માણસો આજે બાળકો માટે મીઠું ધાન રાંધવા માટે પાલી - બે પાલી ઘઉંનું ખર્ચ કરી શકતાં હતાં. કાંટાની કડીઓ ચડાવીને ઓછું જોખવામાં ઉસ્તાદ ગણાતા ગિધાના ગલ્લામાં આજે હોબ્બેશ વકરો થઈ રહ્યો હતો.

પણ ગિધાની હાટડીમાં રોકડે વેપાર કરતાં વધારે વળતરવાળો ને વધારે કરકસરવાળો ધંધો તો બીજો હતો. આજે ઘેર ઘેરથી ટાબરિયાં છોકરાં ખોઈમાં દાણાં ભરીભરીને આવતાં હતાં, અને બદલામાં ગિધાકાકાની હાટડીમાંથી ખાંડના ગોળી-પાંચીકા ખરીદી જતાં હતાં. કોઈની ખોઈમાં ઘઉં, કોઈની ખોઈમાં જુવાર, કોઈની ખોઈમાં મગફળી. ગિધા માટે આ સાટાપાટાના ધંધામાં બાર હજારના લાખની પાણ પડે એમ હતી. બાળકો આડે ખોબે પાંચીકા જેવો બાજરો આપે કે પારેવાંની આંખ જેવા જુવારના દાણાનો ઢગલો કરે એના બદલામાં આ લુચ્ચો લુવાણો કસીકસીને ધૂળ–રાખ જેવી પિપરમેટના બેચાર ગોળા ગણી દેતો હતો; કોઈને એ જાપાનીઝ રબરનું ફૂંકણું આપતો હતો, તો કોઈના હાથમાં રંગીન કાગળનું ફેરકણું કે પાવો મૂકતો હતો.

પણ બાળકોને કે એમના વાલીઓને આવી છેતરપિંડીનો રંજ નહોતો, કેમકે, આજે સપરમા પરબનો દિવસ હતો.

ગિધા લુહાણાની હાટડી જેવી જ ગિરદી અત્યારે રઘા ગોરની હૉટલમાં જામી હતી.

આ રઘા ગોરના તેમ જ તેમની હૉટેલના બન્નેના ઇતિહાસ રંગીન હતા. આજે તો રઘો ગોર આધેડ અવસ્થાએ પહોંચી ગયો છે, પણ એની જુવાની જેમણે જોયેલી એ ઘરડેરાઓ કહે છે કે, આ બ્રાહ્મણ જુવાને ગામ આખાને તોબાહ પોકરાવેલી. રઘાને નાનપણથી જ ગુંદાસરના ગામધણીના ફટાયાઓ જોડે ભાઈબંધી. એ નિશાળે ભણવા જવાને બદલે, વોંકળાની નેળમાં દફતરપાટી સંતાડીને ગરાસિયાના છોકરાઓ જોડે સીમમાં ગોફણને ઘાએ